રાજકોટઃ સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીના અપમાનને મુદ્દે કથાકારો અને સંતોમાં સતત આક્રોશ વધી રહ્યો છે. કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચે લગાવેલ પ્લેટને લઈ મોરારી બાપુ જેવા કથાકારો બાદ અનેક સંત-મહંતો આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. .કેમ કે પ્રતિમાની નીચેની પ્લેટમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીને નમન કરતા બતાવ્યા હોવાના કારણે ભક્તોમાં રોષ છે.
સાળંગપુર મંદિર પરિસરમાં હનુમાન દાદાના અપમાનથી હિંદુ સમાજમાં ભારે આક્રોશ છે. રાજકોટમાં બહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા. બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુરમાં જઈને વિરોધ પ્રદર્શન કરશે. સાથે સ્વામિનારાયણના સંતોને પાંચ તારીખ સુધીનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા. કરણી સેના આગેવાનો પણ વિરોધ પ્રદર્શન કરશે.
અગાઉ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં સ્પષ્ટ કર્યું કે હનુમાનજી આદી અનાદી કાળથી છે. વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી હતી. આજે VHPના આગેવાનો વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળશે. અશોક રાવલે કહ્યું કે વિશ્વ હિન્દૂ પરિષદ હિંદુઓની લાગણીની સાથે રહેશે. તમામને સાથે રાખવાનું કામ VHP કરે છે. સાથે જ કહ્યું કે અભણને એક રાખવા સરળ, જ્ઞાનીને સાથે રાખવા અઘરા છે.
નોંધનીય છે કે અગાઉ હનુમાન દાદાના અપમાનને લઇને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે.
આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે.
મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. 'કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. 'દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન.