Rajkot News: રાજકોટ ગોંડલ માંડવી ચોક શાક માર્કેટ અંદર આવેલ મચ્છી માર્કેટમાંથી લાશ મળી આવી છે. ગોંડલી નદીના કાંઠેથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયરને થતા તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ હજુ સામે આવી નથી. આ ઉપરાંત વૃદ્ધના મોતને લઈને પણ રહસ્યા ઘેરાયું છે. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે વૃદ્ધની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે કે તેમનું કુદરતી રીતે મોત થયું છે. 


ખેતરે જવા નિકળેલ આધેડ મોતને ભેટ્યા


વેરાવળ નજીકના ઊંબા ગામ નજીક આવેલા તળાવમાં મગરે એક આધેડનો ભોગ લીધો છે. ઉંબા ગામના કરશનભાઈ પંડિત નામના 58 વર્ષના વ્યક્તિ પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે તળાવ પાસેથી પસાર થતાં હતા તે દરમિયાન તળાવના કિનારે પાણીમાં છુપાયેલા મગરે તેમના પર ઓચિંતો હુમલો કર્યો હતો. કરસનભાઈ કાંઈ સમજે એ પહેલા જ મગરે તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો. સ્થાનિકોને ખબર પડતા  લોકો એકઠા થયા અને તળાવમાંથી ભારે જહમત બાદ કરશનભાઈના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આધેડના મોતથી પરિવારમાં માતમ છવાયો છે તો બીજી તરફ મગરના હુમલાને કારણે તળાવ નજીકથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ છે.


વાડીએ પાણી વાળવા ગયેલા યુવકનું વીજ કરંટ લાગતા મોત


દ્વારકા: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવાય રહ્યો છે. રાજ્યમાં પણ ઠેર ઠેર ભાઈના હાથે બહેન રાખડી બાંધી રહી છે. તો તરફ રક્ષાબંધનના દિવસે જ એક યુવકનું વીજકરંટ લાગતા મોત થતા અરેરાટી મચી જવા પામી છે. ખંભાળિયા તાલુકાના નવા તથીયા ગામે એક યુવાન ખેતરમાં પાણી વાળવા ગયો હતો તે દરમિયાન વીજ કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવક જેવો ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે યુવાનને વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો. યુવાનના મૃતદેહને પી.એમ અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. તો બીજી તરફ યુવકના મોતને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવાર પર આભ ફાટ્યું છે. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.