રાજકોટઃ રાજકોટના કિસાનપરામાં 6 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા નવિનભાઈ મહેતાનાં ત્રણ સંતાનો પૈકી મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. અંબરીશ મહેતા તે વકીલાત પણ કરતો હતો. સંતાનમાં બીજા નંબરે મેઘા મહેતા નામની દીકરી છે. તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. મેઘા રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણેલી છે.


સૌથી નાનો ત્રીજા નંબરનો દિકરો ભાવેશ મહેતા ઇકોનોમીમાં બી.એ. છે. ભાવેશ ક્રિકેટનો શોખીન હતો અને રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. આ ત્રણ ભાઈ-બહેન પૈકી બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જ્યારે બહેનની હાલત સારી હોવાથી બંને ભાઈને સાચવે છે.

એક રૂમમાં પૂરાઈ રહેવા અંગે મેઘા મહેતાએ દાવો કર્યો કે, લોકડાઉનને કારણે અમે સાતથી આઠ મહિના સુધી બહાર નીકળતા નહોતા. લોકડાઉન પહેલા હું શાકભાજી અને કરિયાણું લેવા બહાર નિકળતી હતી પણ અમે ચિંતાને કારણે એક જ રૂમમાં પુરાઈ રહ્યા હતા.

બીજી તરફ પાડોશમાં રહેતાં લોકોનો દાવો છે કે છેલ્લા છ વર્ષથી ત્રણેય ભાઈ-બહેન ઘરની અંદર જ રહે છે અને બહાર નિકળ્યાં જ નથી.

નવીનભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો સુધી દવા અને દુવા બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક પાસે દવા કરાવી છે. મોટાં નામ ધરાવતા ધાર્મિક મહંતો તેમજ આચાર્યોને પણ બતાવ્યું છે પણ સારું થયું નથી.