રાજકોટઃ રાજકોટના કિસાનપરામાં 6 વર્ષથી એક જ ઓરડીમાં રહેતાં યુવક-યુવતીને બહાર કાઢવા ભારે મહેનત કરવી પડી હતી. નવિનભાઈ મહેતાનાં ત્રણ સંતાનો અંબરીશ, મેઘા અને ભાવેશે વારંવાર વિનંતી છતાં દરવાજો ના ખોલતાં દરવાજો તોડીને બહાર કાઢવાં પડ્યાં હતાં. બે કલાકના ભારે ડ્રામા પછી તેમને બહાર કઢાયાં હતાં.


સામાજિક સેવા કરતા સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ પર એક ફોન આવ્યો હતો કે એક રૂમમાં પૂરાઈને ત્રણ ભાઈ-બહેન રહે છે. કોઈ જાગૃત મહિલાએ આ માહિતી આપતાં જલ્પાબેને નવીનભાઈનો સંપર્ક કર્યો હતો. તેમણે બાળકોને બહાર કાઢવાના કાર્યમાં સહકારની ખાતરી આપતાં રવિવારે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન, તેમની ટીમ સાથે નવીનભાઈના ઘરે પહોંચ્યા હતા.



નવિનભાઈએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ તેમણે દરવાજો ખોલ્યો નહોતો. બહુ વિનંતી પછી છેવટે મકાનની ડેલીની દીવાલ કૂદીને અંદર ઘૂસીને ડેલીને ખોલી હતી. એ પછી અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી . પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય એ રીતે પડેલાં જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા હતા જ્યારે બહેનના વાળ પણ અસ્તવ્યસ્ત હતા.