રાજકોટઃ ઉદ્યોગપતિ વિજય સોરઠીયાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં કાર ચાલકની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. સવારના સમયે સાયકલ ચાલકો BRTS ટ્રેકમાં ચલાવતા સાયકલ હોય છે. પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ ઉદ્યોગપતિનું મોત નીપજ્યું હતું. ગત 8 તારીખે વહેલી સવારે બનાવ બન્યો હતો.


150 ફૂટ રિંગ રોડ પર બીઆરટીએસ રૂટ પર રવિવારે વહેલી સવારે 5 વાગ્યે સાઇક્લિંગ કરી રહેલા ઉદ્યોગપતિ વિજયભાઇ સોરઠિયાને પૂરપાટ કારે સાઇકલ સાથે ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઇનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં કારચાલક યુવકની ધરપકડ કરી હતી. 


કેકે પાર્કમાં રહેતા વિજયભાઇ ચનાભાઇ સોરઠિયા (ઉં.વ.43) રવિવારે વહેલી સવારે નિત્યક્રમ મુજબ સાઇક્લિંગ કરવા નીકળ્યા હતા. નાણાવટી ચોકથી રામાપીર ચોકડી તરફ બીઆરટીએસ રૂટ પર સાઇકલ ચલાવી રહ્યા હતા. ત્યારે પ્રતિબંધિત બીઆરટીએસ રૂટ પર પૂરપાટ ઝડપે કાર ધસી આવી હતી અને સાઇકલને ઠોકરે ચડાવી હતી. વિજયભાઇ સાઇકલ સહિત ફંગોળાયા હતા. અકસ્માત થયો તે વખતે જ ખાનગી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતાં વિજયભાઇને તેમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.


ગાંધીગ્રામ પોલીસે જણાવ્યું હતું કે, વિજયભાઇ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાઇબરનો વેપાર કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી છે. પરિવારના મોભી વિજયભાઇના આકસ્મિક મોતથી સોરઠિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકના નાનાભાઇ હર્ષદભાઇ સોરઠિયાની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી કારચાલક સાર્થક વસંત કોરાટ (ઉ.વ.18)ની ઘર નજીકથી ધરપકડ કરી હતી. સાર્થક કોરાટને છ મહિના પૂર્વે જ ફોર વ્હિલનું લાઇસન્સ મળ્યું હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.