સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ યુવતીને હિતેષ સાથે આઠ વર્ષ પહેલા પરિચય થયો હતો. ફોનમાં વાતચીત બાદ સંબંધ ગાઢ બન્યો અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. થોડા સમય પછી હિતેષ પ્રેમીકા સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો, જેને કાણે દોઢ વર્ષના સંબંધનો યુવતીએ અંત લાવી દીધો હતો. યુવતીએ સંબંધો તોડી નાંખતા હિતેષ નારાજ થઈ ગયો હતો અને તેમ જ ફરીથી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતીને વારંવાર ફોન કરતો હતો. જો યુવતી ફોન ન ઉપાડે તો તેના ઘર પાસે જઈને તેને બદનામ કરતો હતો.
ગત પહેલી માર્ચ 2019ની રાત્રે તે યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને સંબંધો ન રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી હિતેષનો ત્રાસ સતત વધવા લાગ્યો હતો. એટલું જ નહીં, હિતેષે વોટ્સએપ ડીપીમાં પૂર્વ પ્રેમીકાના અન્ય પુરુષો સાથે ફોટા જોડીને 'કલયુગ કી દ્રોપદી' સહિતના અભદ્ર લખાણો પણ લખ્યા હતા. અને આવા ફોટા તે વાયરલ કરતો હતો.
યુવતીના સગાઓને તે પોતાની પાસે ગન હોવાનું અને બધાની મારી નાંખવાની ધમકી આપતો હતો. અંતે કંટાળેલી યુવતીએ પોલીસને અરજી કરી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સંકંજામાં લીધો હતો. સાઇબર ક્રાઇમ સેલે હિતેષનો ફોન કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.