Rajkot: સતત પાંચમા દિવસે રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ભરતી ના કરાતા મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટ શહેર કોગ્રેસના અગ્રણીઓ પર ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. કેટલાક ઉમેદવારો અયોધ્યા રામલલ્લાના પોસ્ટર લઇને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.




રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ મહેશભાઈ રાજપૂત અને રાજદીપસિંહ જાડેજા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા હતા. એનએસયુઆઇ બાદ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પીજીવીસીએલ કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ પીજીવીસીએલ કચેરીની બહાર વિદ્યાર્થીઓના રાત દિવસ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી pgvcl ની પરીક્ષા બાદ ભરતી ન કરતા ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે.

નોંધનીય છે કે, વર્ષ 2023માં PGVCL દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. હાલ વેઈટિંગ લીસ્ટનો સમયગાળો પણ 12 દિવસની અંદર પૂર્ણ થાય છે. જે બાદ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે. ત્યારે હવે તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. PGVCL દ્વારા કહેવાયું નવી પરીક્ષા લઈશું, પરંતુ PGVCLના 46 ડિવિઝનમાંથી માત્ર 8 ડિવિઝનમાં 360થી વધુ વિદ્યુત સહાયકોની જગ્યાઓ ખાલી છે. ત્યારે તે જગ્યાઓ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓની ભરતી કરવા આ યુવાઓ માંગ કરી રહ્યા છે.


નોંધનીય છે કે અગાઉ સમગ્ર મામલે PGVCL ના HR વિભાગના વડા એ.આર. કટારાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વિદ્યુત સહાયક માટે પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ ભરતી નિયમ આધારિત ભરતી થઇ છે. જે માહિતી RTI હેઠળ આપવામાં આવી છે એ માહિતીમાં કોઈ તથ્ય નથી. જે અધિકારીઓએ તથ્ય વગરની જે માહિતી આપી છે તેઓને નોટિસ અપાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 સર્કલના 46 ડિવિઝનમાં 4,607 વિદ્યુત સહાયક છે. આ મામલે અમે સરકારના ઊર્જા મંત્રાલયને હકીકતલક્ષી રિપોર્ટ આપી રહ્યા છીએ.