રાજકોટ: રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. એક દિવસ પહેલા એટલે કે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદે ખુબ તારાજી સર્જી હતી.  ભારે વરસાદને કારણે ગઈકાલે રાજકોટના કાલાવડ રોડ પર  છાપરા ગામ પાસે ડોંડી નદીમાં કાર તણાઈ ગઈ હતી. એક દિવસની શોધખોળ બાદ આખરે આ કાર મળી આવી અને આ કારમાં પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળી આવ્યો છે. 


આ કારમાં પેલિકન કંપનીના માલિક કિશન શાહ, કારચાલક અન્ય એક વ્યક્તિ સવાર હતા. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમે મોરચો સંભાળ્યો હતો અને કારની શોધખોળ હાથ ધરી હતી.  NDRFની ટીમને આજે રાજકોટ-કાલાવડ હાઈવે પાસેથી કાર મળી આવી છે.  કારમાંથી કિશન શાહનો મૃતદેહ મળ્યો છે.


રાજકોટ-જામનગર હાઈવે પર છાપરા ગામની દોંડી નદીમાં આ કાર તણાઈ હતી. આ કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જયારે પેલિકન કંપનીના માલિક કિશન શાહ અને કારચાલક કાર સાથે પાણીમાં તણાયા હતા. આખરે સતત મહેનત બાદ NDRF ની ટીમે કાર તણાઈ હતી ત્યાથી 500 મીટર દુરથી કાદવમાં ખુપેલી કારને શોધી કાઢી હતી. આ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.


ગઈકાલે 13 સપ્ટેમ્બરે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં બારે મેઘ ખાંગા થયા હતા અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે રાજકોટમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો અનેક લોકો લોકોને એરલિફ્ટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિને પગલે ઘણા લોકોના મોત થયા છે.સ્થિતિ વધુ બગડતા NDRF અને SDRFની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.


સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આ મહત્વનો બ્રિજ તૂટી પડ્યો


છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે ત્યારે ભારે વરસાદના કારણે જામકંડોરણા તાલુકાનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. સદનસીબે એ વખતે બ્રિજ પર કોઈ નહીં હોવાથી કોઈ નુકસાન થયું નથી.



જામકંડોરણાથી રાજકોટ જતા ફોફડ ડેમ પર આવેલ બ્રિજ ધરાશાયી થતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. આ બ્રિજ ધરાશાયી થતા જામંકંડોરણા-ગોડલ હાઈ-વે બંધ કરી જેવો પડ્યો છે. સોમવારે ભારે વરસાદ થતાં આ રોડ તૂટી ગયો હતો. 


સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે અને ઠેક ઠેકાણે લોકો ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ટંકારાના સખપર ગામે પણ 6 લોકો ફસાયાં હતાં. આ ફસાયેલા ૬ લોકોનું પોલીસ દ્વારા ગ્રામજનોની મદદથી કરાયું છે. આ લોકો આખો દિવસ પાણીમાં રહ્યાં હતાં ને મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.