રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ શહેરની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરના કેસો 100ને પાર થઈ ગયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 2 મહિલા તબીબોને કોરોના પોઝિટિવ આવતાં રાજકોટ શહેરમાં કુલ કેસ 101 થઈ ગયા છે.

હાલમાં અમદાવાદથી ફરજમાંથી પરત આવેલા બે મહિલા ડોક્ટર પોઝિટિવ આવ્યા છે. રાજ્યના બીજા શહેરમાંથી આવેલા લોકોને જ કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 54 એક્ટિવ કેસ હતા. જ્યારે 81 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ જિલ્લામાં કુલ 5 લોકોના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.