મળતી માહિતી મુજબ સગીરાના પિતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ચિરાગ તેમની દીકરીને લલચાવી ફોસલાવી લઈ ગયો છે. જોકે પોલીસે ફરિયાદ બાદ ચિરાગની ધરપકડ કરી હતી. ચિરાગ સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેની સામે પોકસો એકટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. યુવતીની ઉંમર 17 વર્ષ અને 8 મહિના હતી.
રાજકોટની સ્પેશિયલ પોકસો કોર્ટે મે મહિનામાં ચિરાગના જામીન ફગાવ્યા હતા. ત્યારબાદ તેના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, છોકરી ચિરાગ સાથે ભાગી ત્યારે તે સગીર વયની હતી. પરંતુ હવે પુખ્ત વયની થઈ ગઈ છે. સાથે જ ચિરાગે કોર્ટમાં વચન આપ્યું કે, જો તેને જામીન મળશે તો તે બે મહિનામાં યુવતી સાથે લગ્ન કરી લેશે.
હાઈકોર્ટે ચૂકાદામાં નોંધ્યું કે, ચિરાગ મરડિયા પણ પીડિતા સાથે લગ્ન કરવા તૈયાર છે અને તેનો પરિવાર પણ છોકરીને અપનાવવા તૈયાર છે. કોર્ટે કહ્યું, 'અગાઉ કરાયેલી રજૂઆત મુજબ અરજકર્તા જામીન પર છૂટશે કે તરત જ તેના પરિવારજનો પીડિતા સાથે તેના લગ્ન કરાવશે. જેલમાંથી છૂટ્યાના બે મહિનામાં જો છોકરી સાથે લગ્ન ના કર્યા તો અરજકર્તા જેલમાં જવા તૈયાર છે.'
કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે ચિરાગ મરડિયાના ૧૦,૦૦૦ રૂપિયાના બોન્ડના શરતી જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, આ કેસની ટ્રાયલ થાય ત્યારે હાઈકોર્ટના આદેશના પ્રભાવ હેઠળ આવીને ટ્રાયલ કોર્ટ કાર્યવાહી ના કરે.