રાજકોટઃ રાજકોટમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાએ કરવામાં આવેલી ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રૈમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા એકઠા કર્યાં હતાં જેમાંથી રાજકોટના આઠ પત્રકારોને લાંચ પેટે રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ આઠ અખબારોમાંથી ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકારને પણ 50,000નો ચેક આપવામાં આવ્યો હતો પરંતુ માત્ર પુરાવા એકત્રિત કરવાના ભાગરૂપે ચેક લીધા બાદ અધિક કલેક્ટર પરિમલ પંડ્યા પાસે રૂબરૂ જઈને ચેક પરત આપી દીધો હતો.

કૌંભાડ આચર્યા બાદ ચેક દ્વારા પત્રકારોને ખરીદવાનો પ્રયાસ થયાની ચર્ચાએ સમગ્ર ગુજરાતમાં જોર પકડ્યું છે. જિલ્લા કલેક્ટરે ફંડનો દુરુપયોગ કર્યાંનો પણ આરોપ લાગી રહ્યો છે.

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગરનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ આ રીતે પત્રકારોને ખરીદવાની ચેષ્ટા જિલ્લા કલેક્ટરે કરી છે.