રાજકોટઃ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. શેમળા ગામ પાસે થયેલા અકસ્માતમાં કન્ટેનર કેબિન પર ચડી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઈવે ચીંચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 8 શ્રમિકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.


આજે વહેલી સવારે કેટલાક શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને મજૂરી કરવા જઈ રહ્યા ત્યારે શેમળા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસથી ગામ લોકો પણ દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે રાજકોટ અને ગોંડલની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રોલી નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.