રાજકોટઃ રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. સતત મૃત્યુદર વધતો જાય છે. જોકે, ડેથ ઓડિટ બાદ કોરોનાના મોતનો આંકડો જાહેર કરવામાં આવશે. ગઈ કાલે છના મોત થયા હતા.



ગુજરાતમાં સુરત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટામાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે. રાજકોટમાં યુ.કે અને આફ્રિકાનો સ્ટ્રેઈન જોવા મળ્યો છે. જેમાં દર્દીમાં ગયા વખત કરતાં અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. સિટીસ્કેનમાં ફેફસાં પર અસરો ઓછી જોવા મળે છે તેના બદલ આ વખતે ચામડી, પેટની તકલીફ જોવા મળે છે. ઉપરાંત માથું દુઃખવું, આંખ લાલ થવી અને હાથ અને પગની આંગળીના કલર ચેન્જ થઈ જવા જેવી સમસ્યા જોવા મળી રહી છે.


અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો છે અને કોરોનાના કેસનો આંકડો 40 પર પહોંચતાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં થયેલા કોરોના વિસ્ફોટ માટે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જવાબદાર છે. 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના થયો હોવાની વિગતો છૂપાવી હતી.



ડો.મેહુલ આચાર્ય (ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ઉત્તર પશ્ચિમઝોન)એ માહિતી આપતાં કહ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ડોમ ઉપર ચેકીંગ કરાવ્યું હતું પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસનું સરનામું નહોતું આપ્યું. તેના બદલે તેમણે વતનના સરનામાં આપ્યાં હતાં. દરમિયાનમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં કેસ વધતાં તપાસ કરાતાં  વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ કરાતાં 17 વિદ્યાર્થીના કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતાં આ વાત બહાર આવી હતી. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIM ના પ્રોફેસર કોરોના સંક્રમિત હોવાનું AMCનું અનુમાન છે.



નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.



રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.



કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?



ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.



ક્યાં કેટલા કેસ નોંધાયા  ?



અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27,  જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24,   ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.