રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આજે વધુ 39 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ પહેલા રાજકોટના 22 ઉમેદવારોની યાદી જાહેર કરી હત. શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર વોર્ડ નં 17માંથી ચૂંટણી લડશે.


વોર્ડ નંબર 3માંથી પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રી બા વાઘેલા ચૂંટણી લડશે. અનેક સીટિંગ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. અતુલ રાજાણીને વોર્ડ નંબર 2માંથી ટિકિટ મળી છે. મનપા નેતા વિપક્ષ રહી ચુકેલા વશરામ સાગઠિયાને વોર્ડ નં 15માંથી ટિકિટ ફાળવવામાં આવી છે. કેતન જરીયાને વોર્ડ નંબર 7માંથી ટિકિટ ફાળવવામાં આવી છે.



રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.