રાજકોટઃ લોકડાઉનની વચ્ચે એક બાજુ શ્રમિકોને પોતાના વતન જવા માટે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી ત્યારે કેટલાક લેભાગુ તત્વો નકલી પાસ આપીને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. શહેરમાં આવું જ એક વધુ પાસ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે આ મામલે 11 લોકોની ધરપકડ કરી છે.


મળતી માહિતી મુજબ અમિત મોટવાણી નામની વ્યક્તિ સ્ટુડિયોમાં ફોટોશોપની મદદથી પહેલા એક મિત્રની મદદ કરી અને બાદમાં નકલી પાસ વેચવાનું ચાલું કર્યું હતું. અમિત 300 રૂપિયામાં એક પાસ વેચતો હતો. આ મામલે ઇલેક્ટ્રિશિયન, એસી રિપેરિંગ કરનાર અને શ્રમિકોએ પાસ ખરીદી કર્યાનું સામે આવ્યું છે.

આ મામલે પોલીસે આરોપી અમિત મોટવાણી સહિત 11ની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

લોકડાઉનના કારણે લોકોને વતનમાં પહોંચાડવા માટે સરકાર દ્વારા પાસ ઈશ્યૂ કરવામાં આવે છે. આ પહેલા પણ રાજકોટમાં શ્રમિકોને બોગસ પાસ કાઢી આપનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો લોકો પાસેથી 4 હજાર રૂપિયા લઈને પાસ કાઢી આપવાની ખાતરી આપતા હતા.

જેને લઇને પોલીસે દિપેન કોટેચા, સંજય મકવાણા અને ગૌરાંગ દવે નામના શખ્સોની અટકાયત કરી હતી. સંજય મકવાણા ઈ-પાસ કાઢીને આપવાના નામે રૂપિયા ઉઘરાવતો હતો. આરોપી સંજય મકવાણાએ વ્હોટ્સએપમાં સ્ટેટસ પણ રાખ્યુ હતુ. વોટ્સએપ પર દસ્તાવેજ મોકલીને સંજય પાસ કાઢી આપતો હતો.