રાજકોટઃ રાજ્યમાં કોરોના કેસો બાદ મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) કેસો સતત વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદની સાથે વડોદરા, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકરમાઇકોસિસ માટે સિવિલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા, જે વધારીને 400 બેડ કરવામાં આવ્યા છે.


હાલ રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે અત્યારે 1 ઇએનટી સર્જન દ્વારા ઓપરશન કરવામાં આવે છે. આગામી દિવસોમાં વધુ બે ઇએનટી સર્જન ભાવનગરથી રાજકોટ સિવિલમાં બદલી કરાશે. આ ઉપરાંત ખાનગી ઇએનટી સર્જન પણ વારાફરતી સિવિલ હોસ્પિટલમાં આવી ઓપરેશન કરશે. ઇએનટી સર્જન એસોસિએશન દ્વારા સિવિલમાં નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


કોરોનાની રસી અને મ્યુકરમાઈકોસિસને શું છે સંબંધ


કોવિડ વેક્સિન માત્ર કોરોના સામે જ નહીં પણ ખર્ચાળ મ્યુકરમાઈકોસિસ સામે પણ રક્ષણ આપે છે. સુરતમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે પરંતુ જેમણે કોરોના રસીનો પ્રથમ કે બંને ડોઝ લીધા છે તેઓ બચી શક્યા છે. જે દર્દીએ રસીનો ડોઝ નથી લીધો અને કોરોનામાં સપડાયા બાદ આ રોગનો ભોગ બન્યા છે તેમાં જ રોગનું સંક્રમણ જોવા મળ્યું છે. મ્યુકરમાઇકોસિસનો ભોગ બનેલા એકપણ દર્દીએ વેક્સિન નથી લીધું તેવું ચિત્ર સામે આવ્યું છે. આ સંજોગોમાં કોરોનાની રસી જ મ્યુકરમાઇકોસિસ સામે લડવા કારગત હોવાનું કહી શકાય તેવું તબીબોનું માનવું છે.


કેવું માસ્ક બચાવશે મ્યુકરમાઈકોસિસથી


મ્યુકરમાઈકોસિસથી બચવા માટે સર્જિકલ માસ્ક વધુ અસરકારક હોવાનો નિષ્ણાત તબીબોનો મત છે. યૂઝ એન્ડ થ્રો માસ્ક પહેરવાથી આ રોગથી બચી શકાય છે. માસ્કની સ્વચ્છતા પણ રોગમાં ખૂબ જરૂરી છે.  કોરોનાથી મુક્ત થયેલા લોકો કોટન માસ્ક પહેરતાં હોય તેને દરરોજ ધોતાં ન  હોવ કે બરાબર સેનિટાઇઝ ન કરવામાં આવતું હોય તો આવા માસ્ક પહેરવાથી મ્યુકરમાઇકોસિસનું જોખમ વધી જાય છે. આવા માસ્ક દ્વારા અશુદ્ધિઓ શ્વાસ મારફતે શરીરની અંદર પ્રવેશ કરે છેઅને બીમારીની શક્યતા વધી જાય છે. તેથી ઉનાળામાં અથવા હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તેવા સંજોગોમાં કોટન માસ્ક આ રોગ માટે જોખમી પુરવાર થઈ શકે છે.


રાજ્યમાં શું છે કોરોનોની સ્થિતિ


ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે અને બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૧૭ નવા કેસ નોંધાયા છહતા. જ્યારે મૃત્યુઆંક સતત ઘટી રહ્યો હોઈ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ મૃત્યુ નોંધાયા હતા. જો કે બીજી બાજુ હાલ રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી હજુ પણ વેન્ટિલેટર પર છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાની ગત થોડી મંદ પડી છે.કોરોનાના નવા કેસ ૧૧ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.નવા કેસોમાં મોટો વધારો નોંધાતો નથી.જ્યારે રીકવરી રેટ પણ હવે ૮૦ ટકાથી વધુ નોંધાયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે  કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા વધી રહી છે જ્યારે મૃત્યુ આંક પણ સતત ઘટતા હવે ૧૦૦ની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાના કેસ ઘટવા સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે પરંતુ બીજી બાજી વેન્ટિલેટર પરના ગંભીર દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ રાજ્યમાં ૮૦૪ દર્દી વેન્ટિલેટર પર છે અને પ્રથમવાર રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી વેન્ટિલેટર પરના નોંધાયા છે.