Rajkot farmer suicide: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં કમોસમી વરસાદ (માવઠા) ને કારણે પાક નિષ્ફળ જવાથી આવેલી આર્થિક તંગીએ એક વધુ ખેડૂતનો ભોગ લીધો છે. ગામના 50 વર્ષીય ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયાએ ગત રાત્રિના સમયે પોતાની વાડીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. જોકે રાજ્ય સરકારે ખેડૂતો માટે ₹10,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે, તેમ છતાં પાક નિષ્ફળ જવાથી આવેલા આર્થિક બોજ અને તણાવને કારણે દિલીપભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું તેમના પુત્ર અને ગામના સરપંચ દાવો કરી રહ્યા છે. મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (PM) કરાવવામાં આવ્યું છે, અને કોટડાસાંગાણી પોલીસે આત્મહત્યાના સાચા કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હોવા છતાં, પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પરનો આર્થિક બોજ ઓછો થતો નથી. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં વધુ એક ખેડૂત આર્થિક નુકસાન અને સતત તણાવના કારણે જિંદગીથી હારી ગયા છે.
અરડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ વિરડિયાએ ગત રાત્રે પોતાની વાડી ખાતે જ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ દુઃખદ સમાચારને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક ખેડૂતના પુત્ર ઉત્સવે દિવ્યભાસ્કરને આપેલી માહિતી અનુસાર, કમોસમી અને વધુ વરસાદને કારણે તેમનો પાક નિષ્ફળ ગયો હતો. તેમણે વાવેતર કરેલી મગફળી, કપાસ અને ડુંગળી ત્રણેય વસ્તુઓ ખરાબ થઈ હતી. ખાસ કરીને મગફળી અને ડુંગળીના પાથરા પલળી ગયા હતા અને ડુંગળી સુકાઈ ગઈ હતી. પુત્રએ દાવો કર્યો કે આ નુકસાન અંદાજે ₹10 લાખ જેટલું થયું હતું. આર્થિક મોટું નુકસાન થવાને કારણે તેમના પિતા છેલ્લા 15-20 દિવસથી સતત ટેન્શનમાં રહેતા હતા, અને આ જ કારણોસર તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
ગામના સરપંચ નરશી ગજેરાએ પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે, દિલીપભાઈ ખેતી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે 12 વીઘા ઘરની જમીન અને અન્ય 28 વીઘા વાવવા રાખેલી જમીન હતી, પરંતુ બધા પાક નિષ્ફળ ગયા હતા. સરપંચે જણાવ્યું કે ગયા વર્ષે દીકરીના લગ્નને કારણે દેવું હતું અને ઉપરથી આ વર્ષે બિયારણ અને વાવેતરનું નવું દેવું થયું હતું. આર્થિક સંકડામણ અને કોઈને કહી ન શકવાના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
આ ઘટનાની જાણ થતા જ કોટડાસાંગાણી પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં PM (પોસ્ટમોર્ટમ) કરાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આત્મહત્યાના સાચા અને કાયદેસર કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જે બાદ સમગ્ર ઘટનાનું વાસ્તવિક કારણ સપાટી પર આવશે.