રાજકોટઃ શહેરમાં સાવકા પિતાએ બે-બે દીકરીઓ પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મોટી દીકરીએ લગ્ન પછી રવિવારે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદ લઈ હવસખોર પિતાને જેલ હવાલે કરી દીધો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, બે પુત્રની માતા એવી વિધવા મહિલાએ 14 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને દીકરીઓ માતાના બીજા પતિને પપ્પા કહીને બોલાવતી હતી. ત્રણ વર્ષ પહેલા એક રાત્રે સાવકો પિતા મોટી દીકરી પાસે આવ્યો હતો અને મોઢે ડૂમો દઈ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ધમકીથી દીકરી ડરી ગઈ હતી અને કોઈને વાત કરી નહોતી.
આથી હવસખોરની હિંમત વધી ગઈ હતી તેમજ પછી તો ત્રણ વર્ષમાં અનેકવાર સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન આ મે મહિનામાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા હતા અને તે સાસરે ચાલી ગઈ હતી. દરમિયાન યુવતી શનિવારે પિયર આવી હતી. ત્યારે નાની 14 વર્ષી બહેને પિતાની હરકતો અંગે વાત કરી હતી. બહેનની વાત સાંભળી યુવતી સમસમી ગઈ હતી. મોટી દીકરી સાસરે જતા બે મહિનાથી પિતાએ નાની દીકરી પર નજર બગાડી હતી અને તેની હવસ સંતોષતો હતો.
ત્રણ-ત્રણ વર્ષ સુધી પિતાની હવસનો ભોગ બનેલી યુવતી પોતાની તેમજ માતા-નાની બહેનની સુરક્ષા માટે ચૂપ રહી હતી. પરંતુ નાની બહેનને પણ સાવકા પિતાએ ન છોડતાં યુવતી નાની બહેનને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ સમક્ષ સમગ્ર આપવીતી જણાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.