રાજકોટઃ સાત-સાત વર્ષ સુધી યુવકે યુવતીને પત્નીની જેમ રાખીને વારંવાર શરીરસુખ માણ્યા પછી હવે લગ્નનો ઇનકાર કરી દેતાં યુવતીએ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મ્યુચ્યુઅલ ફંડને લગતી કંપનીમાં કામ કરતાં નિરજ વિનોદરાય આડતિયા સામે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ શરૂ કરી છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, વર્ષ 2013માં યુવતી શેર બજારની કંપનીમાં કામ કરતી હતી, ત્યારે નિરજના સંપર્કમાં આવી હતી. આ સમયે મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. આ પછી બંને વચ્ચે પરિચય વધતા સાથે ફરવા જતા હતા અને બંનેને પ્રેમ થઈ ગયો હતો. જોકે, નિરજને પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલું હોવાથી છૂટાછેડા પછી લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એટલું જ નહીં, નિરજે યુવતીને તેની માતા સાથે મુલાકાત કરાવી હતી અને તેની માતા પણ લગ્ન માટે સહમત થઈ ગયા હતા. યુવતીની ફરિયાદ છે કે, વર્ષ 2014માં માતાને મળવાના નામે બોલાવી તેની સાથે નિરજે પરાણે શરીરસુખ માણ્યું હતું. જેને કારણે યુવતી અપસેટ થઈ ગઈ હતી અને તેણે થોડા દિવસ સુધી વાતચીત બંધ કરી દીધી હતી. જોકે, નિરજે ફરીથી તેનો સંપર્ક કર્યો હતો અને છૂટાછેડાનો કેસ ચાલું હોવાથી બે-ચાર મહિના લગ્ન માટે લાગશે, તેમ કહ્યું હતું. તેમજ છૂટાછેડા પછી તરત લગ્ન માટે તૈયારી બતાવી હતી. એટલું જ નહીં, તેને ઘરે રહેવા બોલાવી લીધી હતી. આ ફછી બંને લગ્ન વગર જ ઘરમાં પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. આમ, તેઓ દોઢ વર્ષ સુધી સાથે રહ્યા. આ સમયે યુવતી લગ્નની વાત કરે તો તે ટાળી દેતો હતો. તેમજ 2016માં નિરજને માતા સાથે ઝઘડો થતા મોરબી ટ્રાન્સફર લઈ લીધી હતી. યુવતી પણ તેની સાથે આવી ગઈ હતી. 2017માં ફરીથી ટ્રાન્સફર થઈ ત્યારે પણ તેઓ ફ્લેટમાં પતિ-પત્નીની જેમ જ રહેતા હતા. આરોપી સાથેના સંબંધને કારણે તે બેવાર ગર્ભવતી થઈ ગઈ હતી. જેને કારણે ૨૦૧૫ની સાલમાં બેવાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. દરમિયાન ઓક્ટોબર ૨૦૧૭માં નિરજના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી અવાર-નવાર આરોપીને લગ્ન માટે તે કહેતી, પરંતુ આરોપી તેની પત્ની હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે, તેમ કહી વકીલે ૩૦ દિવસની મુદ્દત આપ્યાનું કહ્યું હતું. આ પછી પણ તે વારંવાર લગ્નની વાત ટાળતો હતો. ૨૦૧૮માં નિરજે યુવતીને તેના મિત્ર ધર્મેશ રોજારાની માર્કેટીંગને લગતી કંપનીમાં તેને પાર્ટટાઈમ જોબ અપાવી હતી. જ્યારે પણ લગ્નની વાત કરતી ત્યારે આરોપી હાઈકોર્ટમાં છેલ્લી તારીખ છે તેમ કહી સમય કાઢતો હતો. આ સમય દરમિયાન નિરજ કેટલીય છોકરીઓ સાથે ચેટિંગ કરતો હોવાનું યુવતીએ જોયું હતું. આ અંગે નિરજને ટપારતા તે ફક્ત ફ્રેન્ડ્સ હોવાનું કહેતો હતો. એક દિવસ યુવતીએ નિરજને અન્ય યુવતી સાથે વીડિયો કોલિંગ કરતાં રંગેહાથ ઝડપી લેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી બંને અળગ રહેવા જતા રહ્યા હતા. એટલું જ નહીં, નિરજે લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતેી. તેમજ તેને બીજી છોકરી મળી ગઈ હોવાનું અને જે કરવું હોય, તે કર તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું. આ સિવાય યુવતીને નિરજ પાસે 1 લાખ રૂપિયા લેવાના હતા, તે પણ આપતો નહોતો.