રાજકોટ : દિવાળી પછી ગુજરાતમાં કોરોના વકરતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને અમદાવાદમાં 60 કલાકનો કર્ફ્યૂ લગાવી દીધા પછી અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં આજથી નાઇટ કર્ફ્યૂ પણ લગાવી દીધો છે. એટલું જ કર્ફ્યૂના સમયમાં લગ્ન સમારંભ યોજવા પર નિયંત્રણ લગાવી દીધા છે. રાજ્યમાં કર્ફ્યૂના સમયમાં લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે.

આ ઉપરાંત રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન રાત્રિ લગ્ન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજકોટ પોલીસે કર્ફ્યુ સમયે કોઇપણ પ્રકારના લગ્નને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગનો કોઇપણ કાર્યક્રમ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી નહીં યોજી શકાય.



રાજકોટ શહેર પોલીસ દ્વારા આ મહત્વ પૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા લગ્નની મંજૂરી નહીં આપવામાં આવે. ગઇ કાલે નાયબ મુખ્યમંત્રી દ્વારા લગ્ન માટે સ્થાનિક પોલીસની મંજૂરી લેવા સૂચન કરાયું હતું. આગામી એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં અંદાજીત 1000 જેટલા લગ્ન છે. રાત્રી દરમિયાન લગ્ન માટે અગાઉથી થયેલ આયોજન પર પાણી ફરી વળ્યું છે. પોલીસના નિર્ણયથી જેમના ઘરે લગ્ન હોય તે લોકોમાં રોષ છે. લગ્ન પ્રસંગની મંજૂરી અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવેલ Covid19ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.



સુરતમાં પણ તકેદારીના ભાગરૂપે રાત્રે 9.00 વાગ્યા થી સવારે 6.00 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવાયું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓને બાકાત રખાઇ છે. ઇમરજન્સી સેવાઓ માટે છૂટ અપાઈ છે. રાત્રે 9.00 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધી લગ્ન સંભારંભ ના રાખવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી છે. અગર કોઈ મુહરત હોઈ તો પોલીસ મથકમાંથી મંજૂરી લેવાની રહેશે.