Rajkot Health Update: રાજ્યમાં ફરી એકવાર કેટલાય શહેરોની હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. રાજકોટમાં પણ આવી સ્થિતિ સામે આવી છે. હાલમાં જ રાજકોટ જિલ્લા અને શહેરની તમામ સરકારી અને ખાનગી હૉસ્પીટલોમાં દર્દીઓના મેળા લાગ્યા છે. લોકોમાં બે ઋતુના કારણે શરદી, તાવ, ઉધરસ અને ડેન્ગ્યૂની અસર જોવા મળી રહી છે. 


હાલમાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં અને જિલ્લામાં ફરી એકવાર રોગચાળાએ માજા મુકી છે. ઘરે ઘરે દર્દીઓના ખાટલા જેવી સ્થિતિ પેદા થઇ છે. તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે રાજકોટ સિવિલ હૉસ્પીટલમાં મેળા જેવો માહોલ સર્જાયો છે. જ્યાં જુઓ ત્યાં દર્દીઓ જ દર્દીઓ દેખાઇ રહ્યાં છે. શહેરની મોટાભાગની ખાનગી હૉસ્પીટલોમાં પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. શહેરના અલગ-અલગ આરોગ્ય કેન્દ્રમાં પણ સતત દર્દીઓને ધસારો જોવા મળી રહ્યો છે. સવારના સમયે ઝાકળભર્યું વાતાવરણ અને બપોરના ભારે તડકાના કારણે લોકો બિમાર પડી રહ્યાં છે.