રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. કણકોટ રોડ પર ગત મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જતી કારે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વૃદ્ધાને 4 કિલોમીટર સુધી ઢસડ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં વૃદ્ધાનું મોત થયું હતું. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. 


કાર ચાલક 4 કિ.મી. સુધી વિજ્યાબેનને ઢસડીને લઇ ગયો


આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. રાજકોટના કણકોટ રોડ પર બેફામ સ્પીડે એક અર્ટીગા કાર આવી હતી અને રોડની સાઇડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજ્યાબેન  નામના વૃદ્ધાને ઠોકર મારી હતી.  અકસ્માત બાદ કાર ઉભી રાખવાના બદલે કાર ચાલક 4 કિ.મી. સુધી વિજ્યાબેનને ઢસડીને લઇ ગયો હતો. આ બનાવ સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો પરંતુ કાર ચાલકે ઉભી રાખી ન હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારનો પીછો કર્યો હતો. 


ફરાર કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી


જોકે 4 કિ.મી. દૂર વિજ્યાબેનનો મૃતદેહ મળ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે કણકોટ રોડ વિસ્તારના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને રાત્રીના સમયે બેફામ વાહન ચલાવનારાઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. બનાવની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ પહોંચી હતી. વિજયાબેનને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને ફરાર કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે. 


અકસ્માત અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, રાધે હોટલ પાસે એક વૃદ્ધા અને એક ભાઈ ચાલીને જતા હતા અને સાઇડમાં હતા એ સમયે એક ગાડી આવી અને વૃદ્ધાને  અડફેટે લીધા હતા. તેમની સાથે ચાલતા ભાઈએ ઘણી બૂમો પાડી પરંતુ કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી. હું પણ પાછળ દોડ્યો હતો. કાર ચાલક 4 કિ.મી. સુધી વૃદ્ધાને ઢસડીને લઈ ગયો હતો.


અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. રાજકોટનો ગાડીચાલક નબીરો કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે.  હાલ તો આ કેસમાં પોલીસ સીસીટીવીની મદદથી કાર ચાલક સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે.