Rajkot-Jetpur toll tax: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાહનચાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અને જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં રાતોરાત મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના સતત આંદોલનની અસર જોવા મળી છે અને તેના પરિણામે પીઠડીયા ટોલ પ્લાઝા પર લગભગ 25 ટકા જેટલો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

Continues below advertisement


અગાઉ, ફોરવીલર વાહનો માટે રાજકોટથી જેતપુર તરફની એક તરફી મુસાફરી માટે ભરૂડી ટોલ પ્લાઝા પર 45 રૂપિયા અને પીઠડીયા ટોલ પ્લાઝા પર પણ 45 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. પરંતુ, આજથી પીઠડીયા ટોલ નાકા પર ટોલ ટેક્સના દર ઘટાડીને 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ માટેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી આ નોટિફિકેશન અમલમાં આવી ગયું છે.


પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાન અથવા અન્ય લાઈટ મોટર વ્હીકલ માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે અગાઉ 95 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડીને માત્ર 70 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ, વાહનચાલકોને સીધો 25 રૂપિયાનો ફાયદો થશે.


જો કે, ગોંડલ નજીક આવેલા ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. ત્યાં પહેલાની જેમ જ 45 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે. આમ, જેતપુર તરફ જતા વાહનચાલકોને પીઠડીયા ટોલ પર રાહત મળશે, પરંતુ ગોંડલ તરફ જતા વાહનચાલકોએ પહેલાના દરે જ ટોલ ચૂકવવો પડશે.


ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી રાજકોટથી જેતપુર વચ્ચે સિક્સ લાઈનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ અને ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે પરેશાન હતા અને આ બાબતે અનેકવાર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. ગોંડલના એક વકીલ દ્વારા આ મુદ્દે આંદોલન પણ કરવામાં આવ્યું હતું.


વારંવાર વાહન ચાલકોના વિરોધને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ વિરોધ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાજકોટથી જેતપુર વચ્ચે માત્ર 10 રૂપિયાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે પીઠડીયા ટોલ પર 25 ટકા જેટલો મોટો ઘટાડો થવાથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.