Rajkot : લોકોને ઘરનું ઘર મળી રહે એટલા માટે સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જોકે રાજકોટમાં આ યોજનાનો લાભ લેવાના બદલે ગેરલાભ લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ વાત મહાનગરપાલિકાના અધિકારીઓને ધ્યાને આવતા 16 જેટલા આવાસોને સીલ મારી દેવામાં આવ્યા છે. આ એવા આવાસોને સીલ મારવામાં આવ્યાં છે, કે જેમના મૂળ માલિકોએ અન્યને પોતાના આવાસ ભાડે આપ્યાં હતા.  


રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં ક્રાંતિવિર ખુદીરામ બોઝ અને લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મૂળ માલિકે પોતાના આવાસ ભાડેથી આપી દીધાનું બહાર આવતા 16 આવાસને સીલ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રાંતિવિર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા A-34, D-52, E-52, E-61 તેમજ E-63 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું સામે આવ્યું હતું.


જયારે લોકમાન્ય તિલક ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા D-72, E-13, E-14, E-24, E-44, E-51, E-52, E-54, E-63, E-73 તેમજ E-74 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું સામે આવતા મહાનગરપાલિકાના અધિકારીઓએ મકાનને  સીલ મારી નોટિસ પણ મકાન માલિકને સોંપી હતી.


આ અંગે મહાનગરપાલિકાના કમિશનરે  જણાવ્યું હતું કે કોઈ મકાન માલિકને તેમના સગા રોકાવા આવ્યા હોય થોડા સમય માટે આવું કંઈ સામે આવશે તો તેઓને  રાહત આપવામાં આવશે પરંતુ ભાડે આપનાર લાભાર્થીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 


દિપક દોરીયાએ કોગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામું આપ્યું 
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યાં  છે, ત્યારે સૌરાષ્ટ્રથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગીર સોમનાથ જિલ્લા કોગ્રેસમાં વધુ એક ગાબડુ પડ્યું છે. જિલ્લા કોગ્રેસના મહામંત્રી દિપક દોરીયાએ કોગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામું આપ્યું  છે.  


ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમા તાજેતરમાં જ શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર મોતીવરસે કોગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજ રોજ ફરી જીલ્લા કોગ્રેસના મહામંત્રી અને સામાજીક કાર્યકર દિપક દોરીયાએ પણ કોગ્રેસ પક્ષને અલવીદા કહેલ છે અને કોગ્રેસના તમામ હોદાઓ તથા સભ્ય પદ પરથી રાજીનામું  આપેલ છે, તો તેમની સાથે 35 વર્ષથી  કોગ્રેસમાં  કાર્યકર તરીકે રહી સેવા આપનાર બિપીન તન્નાએ પણ રાજીનામું  આપતા રાજકારણ ગરમાયુ છે. દિપક દોરીયાની  આપમાં જોડાવાની પૂરી શકયતાઓ જોવાઈ રહી છે.