રાજકોટઃ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નંબર 15ની ચૂંટણીને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને બબ્બે ધારાસભ્યોને જીતવા માટે મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ વોર્ડ નંબર 15 કોંગ્રેસનો ગઢ મનાય છે. આ વોર્ડમાંથી કોંગ્રેસના ટોચના નેતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ  વિરોધપક્ષના નેતા વાસરામ સાગઠિયા ચૂંટણી લડી રહ્યા છે.


ભાજપે સાગઠિયાને હરાવવા અરવિંદ રૈયાણી અને લાખાભાઈ સાગઠિયા એ બે ધારાસભ્યોને મેદાને ઉતાર્યા છે. ભાજપે શિક્ષિત અને યુવા ઉમેદવાર ડો. મેધાવી સિંધવ ઉપરાંત ગીતાબેન પારઘી, વિનુભાઈ કુમારખાણીયા તથા વરજાંગભાઈ હુમલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસનો બધો દારોમદાર સાગઠિયા પર છે અને સાગઠિયાની આગેવાનીમાં કોંગ્રેસે પોતાનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે.

કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપ દ્વારા બે-બે ધારાસભ્યોને મેદાને ઉતાર્યા છે અને બંને પૂરી તાકાતથી મચી પડ્યા છે.  ડો. મેધાવી સિંધવે  પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. હાલ તો બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે.