Rajkot News:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રારના પદ પરથી ડોક્ટર હરીશ રૂપારેલીયાએ રાજીનામું આપ્યું હતું. તેઓએ ચાર મહિના સુધી રજીસ્ટ્રાર સુધી કામગીરી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો. હરીશ રૂપારેલિયાની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર તરીકે કરવામાં આવી હતી. પરંતુ ચાર મહિના સુધી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવ્યા બાદ હરીશ રૂપારેલીયાએ રાજીનામું આપ્યું હતું.


સળંગ નોકરીના મુદ્દે કન્ફ્યુઝન થતાં તેઓએ ફરી પાછા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવા માટે ઈચ્છા દર્શાવી હતી. સળંગ નોકરીનું કારણ દર્શાવી તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પોતાની અરજી આપી હતી કે તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારપદેથી મુક્ત કરવામાં આવે. જેથી આર્થિક નુકસાન થતું હોવાથી ફરી મૂળ જગ્યા પર પરત ફરવાનો તેઓએ નિર્ણય લીધો હતો. દિવાળી બાદ ફરી કોર્પોરેશનના સેક્રેટરી તરીકે તેઓ કાર્યરત થાય તેવી સંભાવના છે.


ડો. હરીશ રૂપારેલીયા વર્ષ 1991થી 1996 સુધી મોરબીની LE કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા હતા. ત્યાર બાદ 1996થી રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોડાયા હતા અને તેઓ વર્ષ 2012થી 2014 દરમિયાન રાજકોટ મનપા ખાતે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર પણ રહી ચુક્યા છે. વર્ષ 2014થી 2023 સુધી તેઓ રાજકોટ મહાનગર પાલિકા ખાતે સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.