Rajkot News: ભાજપમાં ચાલી રહેલા આંતરિક લડાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આદેશ ન માનતા શિસ્ત ભંગની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના સહકારી આગેવાનો બાબુભાઈ નસીત અને નીતિન ઢાકેચાને પણ નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા પ્રમુખ દ્વારા થોડા સમય પહેલા તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીબને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રૈયાણીએ શું કહ્યું ?
એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાત કરતાં અરવિંદ રૈયાણીએ કહ્યું, મને કોઈ નોટિસ મળી નથી.
શું છે મામલો
રાજકોટ લોધિકા સંઘમાં નિમણૂકમા પાર્ટીના આદેશ બાદ પણ ભાજપના જ આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. પાર્ટીએ આપેલા વ્હીપની ઉપરવટ જતા શિસ્ત ભંગને લઈને નોટિસ ફટકારી હતી. અરવિંદ રૈયાણી અને તેમના સાથીઓએ અગાઉ સંઘમાંથી હાંકી કઢાયેલા ડિરેક્ટરો ભાનુભાઈ મહેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી.
અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે. તેઓ જ્યારે રાજ્ય સરકાર મંત્રી હતા ત્યારે તેમના ગામ ગુંદામાં માતાજીનો માંડવો હતો. તે સમયે આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખવામાં આવ્યું હતું અને તેઓ માથા પર માતાજીની ચૂંદડી ઓઢી ધૂણ્યા પણ હતા.
અરવિંદ રૈયાણીએ કોર્પોરેટરથી માંડીને મંત્રી બનવા સુધીની સફર ખેડી છે. વિધાનસભા ચૂંટણી 2017માં તેમણે કોંગ્રેસના મિતુલ દોંગાને 22 હજાર મતથી હરાવ્યા હતા. 2021માં અરવિંદ રૈયાણી ગુજરાતના રાજ્ય પરિવહન મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી, પ્રવાસન મંત્રી બન્યા હતા.