રાજકોટ: બિન સચિવાલયની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા રદ થવાની જાહેરાત થતા રાજકોટમાં NSUI દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. NSUIએ ફટાકડા ફોડી પરીક્ષા રદ થઈ તેની ઉજવણી કરી હતી.


રાજ્યના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, રાજય સરકારે આની ગંભીરતાથી નોંધ લીધી હતી. SITએ સીએમને રિપોર્ટ સોંપ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઈ હતી. જેમાં રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં સૌનો એક જ સૂર હતો કે ગુજરાતના યુવાઓના હિત માટે નિર્ણય લેવાવો જોઈએ. જે બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં 10 મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ મોબાઇલ ઉપર પરીક્ષના જવાબ લખતા દ્રશ્યો જોવા મળ્યા હતા, અમુક જગ્યાએ ઉમેદવારો એકબીજાને પૂછીને જવાબ લખતા જોવા મળ્યા હતા.