Rajkot Onion News: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોના માથે મોટી આફત આવી છે, વાવાઝોડું, વરસાદ બાદ હવે વધુ એક મોટી આફત ખેડૂતોના માથે આવી પડી છે. આ વખતે ખેડૂતોને હરાજી બંધ, નિકાસબંધી અને નીચા ભાવે ડુંગળીના ખેડૂતોને રડાવ્યા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, ડુંગળીના ખેડૂતોને રાજકોટમાં 'પડ્યા ઉપર પાટુ' જેવી સ્થિતિ પેદા થઇ છે. 


રાજકોટમાં અત્યારે ખેડૂતો માટે 'પડ્યા ઉપર પાટુ' જેવી સ્થિતિ છે. હાલમાં જ સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવી છે, આ કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં છે. મહામહેનતે પકવેલી ડુંગળી તેમને રડાવી રહી છે. હાલની સ્થિતિમાં હજારો મણ ડુંગળી ખેડૂતોના ખેતરોમાં પડી છે. એકબાજુ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ છે તો વળી બીજીબાજુ તેમના ખેતરોમાં ડુંગળીનો મોટો જથ્થો પડી રહ્યો છે. ખેતરોમાં પકવેલી લાલપતિ ડુંગળી માત્ર ત્રણ કે ચાર દિવસ જ ટકી શકે છે, આ લાલપતિ ડુંગળી બે કે ત્રણ દિવસમાં ખેતરોમાં ઊગી નીકળે છે, પરંતુ ઉંચા ભાવનો અભાવ છે. ખેડૂતો આ ડુંગળી પકવવા માટે આખી સિઝન એટલે કે ચાર કે પાંચ મહિનાની મહેનત કરે છે અને તે હવે પાણીમાં ગઇ છે. એકબાજુ ડુંગળીના ભાવ 50 ટકા કરતાં પણ ગગડ્યા તો બીજીબાજુ યાર્ડોમાં હરાજી પણ બંધ છે. 


સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોની તૈયાર થયેલી ડુંગળી ખેતરોમાં પડી છે, રાજકોટ જિલ્લાના લોધિકા સહિત તમામ તાલુકાઓમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયુ છે. ખેડૂતોની ચિંતા અને વ્યથા સાથેની વાત જાણવા માટે એબીપી અસ્મિતા રાવકી અને ખાંભા ગામે પહોંચ્યુ. 


એક વિઘાદીઠ ડુંગળીમા ઉત્પાદન ખંર્ચ..


1. બિયારણ - 1800
2. રાસાયણિક ખાતર - 1700
3. રાસાયણિક દવા - 3500
4. નિદામણ અને મજૂરી ખર્ચ - 1500
5. ડુંગળી ઉપાળવાનો ખર્ચ - 1500
6. દીટામણ ખર્ચ - 3000
7. યાર્ડ સુધી વાહન ભાડું - 1700
8. ખેડ અને ટ્રેક્ટર વાવેતર ખર્ચ - 2000


કુલ ખર્ચ -16,700