Rajkot: રાજકોટમાં શહેરમાં છેલ્લા બે દિવસથી PGVCLની ટીમના દરોડા પાડવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે, શહેરમાં ઠેર ઠેર આ ટીમો દ્વારા વીજ ચોરીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં ગઇકાલે મોટા પાયે 28 લાખની વીજ ચોરી પકડાઇ હતી, આ દરોડાની કામગીરી આજે પણ યથાવત છે. 


રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે પણ PGVCLના દરોડા યથાવત છે, રાજકોટના માધાપર, બેડીનાકા સૈનિક સોસાયટી, ભોલેનાથ સોસાયટી નવરંગપરા,  પોપટપરા, રેસકોર્સ પાર્ક, રાજકૃતિ એપાર્ટમેન્ટ, એક્ઝાન નગર સખીયાનગર, વાંકાનેર સોસાયટી બજરંગવાડી, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ વાત છે કે આજે અલગ અલગ 33 ટીમો દ્વારા આ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઇકાલની વાત કરીએ તો ગઈકાલે અલગ અલગ 36 ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગઈકાલે અલગ અલગ 99 કનેક્શનોમાંથી 28 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.


 


આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં કરશે આ મેગા પ્રૉજેક્ટનું લોકાર્પણ 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે. આ દરમિયાન અહીં ખાસ મેગા પ્રૉજેક્ટનું લોકાર્પણ કરશે. માહિતી પ્રમાણે, રાજકોટમાં જસદણના આટકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે. જસદણના આટકોટની પરવાડીયા હૉસ્પીટલમાં આવતીકાલે એક લોકાર્પણ સમારોહ યોજાવવાનો છે. અહીં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવશે. દર્દીઓ માટે હ્રદયરોગ વિભાગ કેથલેબ અને 2 મૉડ્યૂલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.. ભરત બોધરા આ હૉસ્પીટલના સ્વપ્નદ્રષ્ટ્રા રહ્યાં છે. ખાસ વાત છે કે, વજુભાઇ વાળા અને વિજય રૂપાણી પણ આ સમારોહમાં હાજરી આપશે. નરેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા સહિતના મોટા નેતાઓ પણ હાજર રહેશે. આટકોટમાં આવતીકાલે સાંજે સમારોહ અને લોકડાયરો પણ યોજાશે. 


Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  


કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે


આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે.