રાજકોટ: રાજકોટ પોલીસની ખૂબ જ સરાહનીય કામગીરી સામે આવી છે. રાજકોટ શહેરમાં 2012માં ડબલ મર્ડરની ઘટના બની હતી. આ કેસમાં આરોપીને અંદાજે 12 વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે વેશ પલટો કર્યો હતો. રાજકોટ પોલીસની ટીમે ફ્રૂટની લારી, રિક્ષા ચાલક, કપડા વહેંચવા જેવી કામગીરી કરી આરોપી સુધી પહોંચી હતી.
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો ક્વાર્ટર પાસે પત્ની અને કાકીજી સાસુની બેવડી હત્યાનો બનાવ વર્ષ 2012માં સામે આવ્યો હતો. પોલીસે ડબલ મર્ડરના કેસમાં 12 વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી હત્યારા આરોપીને ઝડપી લીધો છે.
2012માં ડબલ મર્ડરનો બનાવ બન્યો હતો
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હુડકો ક્વાર્ટર પાસે 22 મે 2012ના રોજ ડબલ મર્ડરનો બનાવ બન્યો હતો. ભક્તિનગર પોલીસને જાણ થઈ હતી કે, 27 વર્ષીય મધુબેન ઉર્ફે મુની અને તેની 45 વર્ષીય કાકી રંજનબેનની હત્યા મધુના પતિ પવન ઉર્ફે પ્રવીણ અને તેના ભાઈ દીપક ઉર્ફે દીપુ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મકાન માલિક દ્વારા નોંધાવવામાં આવી હતી. તે સમયે રાજકોટ પોલીસ દ્વારા હત્યાની ઘટનામાં સામેલ દીપક ઉર્ફે દીપુને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે કે બેવડી હત્યાના ગુનામાં આરોપી પવન ઉર્ફે પ્રવીણ વોન્ટેડ હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાથી પવન ઉર્ફે પ્રવીણની શોધખોળ હાથ ધરી હતી. બે મહિનાની મહેનત બાદ પવન ઉર્ફે પ્રવીણને પોલીસ દ્વારા વેશ પલટો કરીને ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી પોતાના પુત્ર સાથે ચાની લારી ચલાવતો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રવીણ જે જગ્યાએ રહેતો હતો તે જગ્યાની આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ પવન ઉર્ફે પ્રવીણના પરિવારમાં કેટલા સભ્યો હતા. તેઓ કઈ કઈ જગ્યાએ રહે છે તે સહિતની વિગતો મેળવવામાં આવી હતી. પોલીસને પવન ઉર્ફે પ્રવીણના દીકરાના નંબર મળ્યા હતા. જે નંબરના આધારે પોલીસ દ્વારા કોલ ડીટેઈલ્સ રેકોર્ડ કઢાવવામાં આવ્યા હતાં. જે રિપોર્ટ પરથી કેટલાક શંકાસ્પદ નંબર મળી આવ્યા હતાં. ત્યારે પોલીસ શંકાસ્પદ નંબરના આધારે વિગત મેળવવામાં આવતા તે નંબર પવન ઉર્ફે પ્રવીણનો હોવાનું સામે આવ્યું હતું. આ નંબર પર PAYTM એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં રોજિંદા ટ્રાન્ઝેક્શન સામેલ હતા. પોલીસ દ્વારા લોકેશન મેળવવામાં આવતા લોકેશન ગાઝિયાબાદનું મળી આવ્યું હતું. આ સાથે જ આરોપી દ્વારા ફાઈનાન્સ કંપનીમાંથી લોન પણ મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે ફાઇનાન્સ કંપનીમાંથી આરોપીનો ફોટો મળી આવ્યો હતો. બાદમાં તે ફોટાના આધાર પર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આરોપી પોતાના પુત્ર સાથે ચાની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.
દોઢ દિવસ સુધી ગાઝિયાબાદમાં વોચ રાખી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોઢ દિવસ સુધી ગાઝિયાબાદ ખાતે ચાની લારી ચલાવનાર આરોપી પવન ઉર્ફે પ્રવીણ છે કે કેમ તે બાબતે તપાસ કરવા માટે વેશ પલટો કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમના લોકો રિક્ષાચાલક બન્યા હતા. અન્ય એક ટીમ મેમ્બર ફ્રૂટ વિક્રેતા બન્યો હતો. પોલીસને શંકા હતી કે જો આરોપીને ખબર પડી જશે કે પોલીસ વોચમાં છે તો તે ચાની લારી ખાતે નહીં આવે તેમજ અહીંથી પણ ભાગી જશે. ચોક્કસ સમયે આરોપી પવન ઉર્ફે પ્રવીણ ચાની લારી ખાતે આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પવન ઉર્ફે પ્રવીણને ભક્તિનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.