Rajkot police hotel ban: નવરાત્રિનો તહેવાર શરૂ થતાં જ રાજકોટ પોલીસ સક્રિય થઈ છે અને શહેરની હોટલો માટે નવા કડક નિયમો જાહેર કર્યા છે. ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈએ હોટલ સંચાલકો સાથે બેઠક યોજીને સૂચના આપી છે કે યુવક-યુવતીઓને બે-ત્રણ કલાક માટે રૂમ ભાડે આપવાનું ટાળવું. આ ઉપરાંત, સગીરાઓનું શોષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પણ કેટલાક મહત્ત્વના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પગલાથી શહેરમાં ગંભીર ગુનાઓ અટકાવવાની આશા રાખવામાં આવી રહી છે.

Continues below advertisement

હોટલ સંચાલકોને કડક સૂચનાઓ

રાજકોટમાં (Rajkot Navratri news) કેટલીક હોટલોમાં યુગલોને એકાંત પૂરો પાડવા માટે એક-બે કલાક માટે રૂમ ભાડે આપવાની પ્રથા ચાલી રહી હતી. આ મામલે ડીસીપી રાકેશ દેસાઈએ હોટલ સંચાલકો સાથે બેઠક યોજીને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમણે કહ્યું કે, જો કોઈ યુવતી મોંઢા પર રૂમાલ કે દુપટ્ટો બાંધીને આવે, તો તેનો ચહેરો આધાર કાર્ડના ફોટા સાથે મેચ કરવો ફરજિયાત છે. આ ઉપરાંત, તેમણે હોટલના સંચાલકોને સ્થાનિક યુવક-યુવતીઓને ટૂંકા સમયગાળા માટે રૂમ ન આપવાની પણ સલાહ આપી છે.

Continues below advertisement

ગુનાઓ અટકાવવાનો હેતુ

પોલીસના જણાવ્યા અનુસાર, આવા કિસ્સાઓમાં ઘણીવાર સગીરાઓનું શારીરિક શોષણ થતું હોવાનું સામે આવ્યું છે, જેનાથી ગંભીર ગુનાઓ બને છે. ડીસીપી દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જો કોઈ સ્થાનિક વ્યક્તિ કોઈ યુવતી સાથે આવે, તો રૂમની શું જરૂર પડે?" આ ઉપરાંત, એકલા આવતા સ્થાનિક વ્યક્તિને રૂમ ન આપવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી આપઘાત જેવા બનાવોને અટકાવી શકાય. આ પગલાનો મુખ્ય હેતુ હોટલોમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને યુવતીઓનું થતું શોષણ અટકાવવાનો છે.

પોલીસે હોટલ સંચાલકોને (hotels short stay ban) અન્ય પણ કેટલાક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે, જેમાં પથિક સોફ્ટવેરમાં તમામ મહેમાનોનું ફરજિયાત રજીસ્ટ્રેશન, હોટલના રજીસ્ટરમાં વિગતોની નોંધ, અને સમગ્ર પરિસરમાં CCTV કેમેરા લગાવવાનો સમાવેશ થાય છે. જોકે, આ નિયમો નવરાત્રિની શરૂઆત થયા બાદ જ કેમ યાદ આવ્યા, તેવો સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે. પોલીસ દ્વારા અપાયેલી આ સૂચનાઓનું કેટલું પાલન થાય છે અને તેનાથી ગુનાઓ અટકે છે કે કેમ, તે આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.