રાજકોટઃ રાજકોટના યાજ્ઞિક રોડ પરની ઈમ્પિરિયલ પેલેસ હોટેલમાંથી જુગારધામ ઝડપાયુ છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે હોટેલમાં દરોડો પાડી જુગારધામ ઝડપ્યું હતું. હોટલમાંથી 10 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓ રાજકોટના જાણીતા બિલ્ડરો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે રાતૈયા ગામના નરેંદ્રસિંહ જાડેજા મૂખ્ય સંચાલક છે.


હોટલના સ્યુટ રૂમમાં જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે રૂમ નંબર 605માં જુગારધામ ચાલી રહ્યું છે. તેના આધારે પોલીસના દરોડા પાડ્યા હતા. આ સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જો કે  છઠ્ઠા માળે સ્યુટ રૂમમાં આટલા લોકો કેવી રીતે અંદર આવ્યા તે લઈને પ્રશ્નો સર્જાયા છે ? આ ઉપરાંત હોટલમાં ચાલી રહેલા જુગારધામની માહિતી હોટલ સંચાલકને હતી કે નહિ તે લઈને પણ પૂછપરછ કરાશે.


 


સુરતમાંથી ઝડપાયુ MD ડ્રગ્સ


સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી.


10 હજાર કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે  સુરત પોલીસ કમિશનરે પત્રકારોને જણાવ્યુ કે, સરથાણાના રહેવાસી જેમીન છગન સવાણીએ MD ડ્ર્ગ્સ મંગાવ્યું હતું. MD ડ્રગ મુંબઇથી આવતુ હતુ જો કે પોલીસની કામગીરીથી આ રૂટ બંધ થયો છે. એટલે હવે મુંબઇથી વાયા રાજસ્થાન થઇ ગુજરાતમાં MD ડ્રગ્સ લાવવામાં આવી રહ્યુ છે. જો કે પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખી રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.અગાઉ 10 હજાર કિલો ગ્રામ ડ્રગ્સ કેસમાં પણ આરોપી વોન્ટેડ હતો. માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસે બિશ્નોઈની ધરપકડ કરી હતી.