રાજકોટ: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ રાજકોટમાં પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજકોટ જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. LCBની ત્રણ ટીમ અને પોલીસ સ્ટેશનોની અલગ-અલગ ટીમો તૈનાત રહેશે.

ફાર્મ હાઉસ અને કારખાનાઓમાં ચેકિંગ કરાશે. તમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિ દારૂના નશામાં જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે પણ બિનજરૂરી બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરી છે.
કોરોનાને કારણે 31 ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેથી લોકોએ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વિવિધ જગ્યાએ ફરવા જવાના પ્લાન બનાવ્યા છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવમાં હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે.

ગીર, દીવ, દમણમાં પણ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. બીજી તરફ રાજ્ય બહાર માઉન્ટ આબુ, ઉદયપુર, જેસલમેર, જોધપુર જેવી જગ્યાઓ માટે લોકોએ બુકિંગ કરાવ્યાં છે. થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે ગોવામાં પાર્ટી પર પ્રતિબંધ હોવા છતાં ફ્લાઈટનું રિટર્ન ભાડું 10 હજારથી વધીને 15 હજાર પર પહોંચી ગયું છે.