ભાવનગરઃ સૌરાષ્ટ્રના ભાવનગરમાં અચાનક કોરોના વિસ્ફોટ થતાં લોકોમાં ગભરાટનો માહોલ છે. ભાવનગર જિલ્લામાં એક સાથે 8 પોઝીટીવ કેસ આવતા તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. બીજી તરફ ભાવનગરમાં કોરોનાના કારણે વધુ એકનું મોત થયું છે. 66 વર્ષના વૃધ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. ભાવનગર વિમાન દવાખાના નજીક રહેતા આ વૃધ્ધને 3 જૂન, 2020ના ના રોજ સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

આ સાથે ભાવનગર કોરોના મૃત્યુ આંક 11 પર પહોંચ્યો છે. આજે નોંધાયેલા 8 કેસો પૈકી 6 કેસો તો શહેરી વિસ્તારના છે જ્યારે ભાવનગર જિલ્લામાં બે કેસ નોંધાયા છે. ભાવનગર સીટી વિસ્તારના છ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ છે.

સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોરોના પોઝીટીવ કેસમાં 5 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદની છે જ્યારે અન્યની હિસ્ટ્રી અંગે તંત્ર તપાસ કરી રહ્યું છે. હાલ ભાવનગરમાં વધુ 8 કેસ સાથે કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 150 પર પહોંચ્યો, તો અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.