Rajkot News: રાજકોટના જાણીતા જ્વેલર્સને ત્યાં આઈટી વિભાગના દરોડાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે. છ દિવસથી 32 જેટલા સ્થળોએ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અનેક મિલ્કત સબંધી ફાઇલો પણ મળી આવી છે, તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.



રાજકોટમાં આ IT વિભાગ દ્વારા પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન છે. અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રાજકોટના શિલ્પા જવેલર્સ, રાધિકા જ્વેલર્સ અને જેપી જ્વેલર્સને ત્યાંથી મોટા પ્રમાણમાં હિસાબી વ્યવહારો મળ્યા છે અને હજી પણ આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.


મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ


રાજકોટના ત્રણેય નામી જ્વેલર્સ અને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે. રાજકોટના મોટા માથા ગણાતા શિલ્પા, રાધિકા અને જે પી જ્વેલર્સને ત્યાં કાર્યવાહી યથાવત છે. કુલ 200 જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણેય જવેલર્સના મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ થઈ રહી છે.


આ દરોડામાં બેંક લોકર સીલ કરી દેવાયા છે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે તો કેટલીક દુકાનો ખુલી જ નથી. કલકતાનું કનેક્શન ખૂલતા IT ની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટના IT નાં અધિકારી સહિત સ્ટાફની ટીમો તપાસમાં લાગી હતી.


રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી. પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી અન્ય જ્વેલર્સ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની સમગ્ર તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.


Join Our Official Telegram Channel:   


https://t.me/abpasmitaofficial