18 નવેમ્બર, 2009ના રોજ સરપંચ મયૂર શિંગાળાની ગ્રામ પંચાયતની ચૂંટણીની માથાકૂટમાં હત્યા કરી દેવાઈ હતી. તેની સામે જ ચૂંટણીમાં ઉભા રહેનાર ગાંડુભાઈ વકાતર અને તેના પરિવારે હત્યા કરી હતી. બંને ચૂંટણીમાં સામસામે ઉભા હતા. જેમાં મયૂર શિંગાળાની જીત થઈ અને ગાંડુ વકાતરની હાર થઈ હતી. જેનો ખાર રાખી ગાંડુ વકાતરે હત્યાની કાવતરુ રચ્યું હતું અને ઘરે પાણી આવતું ન હોવાનું ફોન પર કહી ગાંડુ વકાતરે સરપંચ મયૂર શિંગાળાને પોતાના ઘરે બોલાવ્યા. આ સમયે મયૂર શિંગાળા તેના ઘર પાસે પહોંચતા જ ગાંડુ વકાતર તેની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓએ તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડી મયૂર શિંગાળાની સરાજાહેર હત્યા કરી નાંખી હતી.
આ કેસમાં કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાના એકનું જેલમાં જ મૃત્યુ થયું હતું. તો બેને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂક્યા. જ્યારે ગાંડુ વકાતર તેની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓને કોર્ટે આજે આજીવન કેદની સજા ફટકારી હતી. તમામ દોષિતો હાલ જેલમાં જ છે.