Rajkot News: રાજકોટ શહેરમાં અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે. મૃત્યુ પામેલ પત્ની શરીરમાં આવી છે કહી ને ધુણતા પતિના ત્રાસથી નવી પત્નીએ આપઘાત કર્યો હતો. ઘૂણતો પતિ નવી પત્નીનું ઘણી વખત ગળું દબાવી દેતો હતો, જેને લઈ મહિલાએ પિતાને આખી વાત કહી હતી. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા જયરામ પાર્ક માં રહેતા પતિ લક્ષ્મણ નરસિંહ કોળી વિરુદ્ધ આઈપીસી 306 મુજબ આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


શું છે મામલો


રાજકોટમાં કોઠારીયા ગામમાં રહેતી પરિણીતાએ પાંચ દિસ પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવામાં પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દિકરીના પતિમાં પ્રથમ પત્ની આવતી હતી અને તે ધૂણવા લાગતો હતો. ઉપરાંત માર મારતો અને ત્રાસ આપતો. જેથી કંટાળી મરવા મજબૂર બની હતી.


કોઠારિયા રોડ પર જયરામ પાર્કમાં તુલસીપત્ર નિવાસમાં રહેતી પરિણીતા જલ્પા કોળીએ પાંચ દિવસ પહેલા ઘંઉમાં નાંખવાની ઝેરી ટિકડા પી આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિણીતાના પિતા ભગવાનજીભાઈ પોપટભાઈ બગથરિયાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું, મારે સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. મોટી દિકરીના લગન સુરત ખાતે 17 વર્ષ પહેલા ગોપાલભાઈ બુધેલીયા સાથે થયા હતા. તેના થકી બે સંતાન છે. અણબનાવ થતાં છુટાછેડા લીધા બાદ દિકરી પિયર રહેતી હતી. આજથી છ મહિના પહેલા દિકરીએ રાજકોટ કોઠારિયા રોડ પર જયરામ પાર્કમાં રહેતા લક્ષ્મણ સાથે અમારી ઘરે તેના તથા અમારા સભ્યોની હાજરીમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા. લક્ષ્મણના પણ અગાઉ લગ્ન થયા હતા અને તેની પ્રથમ પત્ની ગુજરી ગઈ હતી. તેને આગલા ઘરના બે પુત્રો છે. મારી દિકરી તેના બંને પુત્રોને સાચવતી હતી.


બે મહિના પહેલા દિકરીએ ફોન કરી કહ્યું, મારા પતિ તેના ગુજરી ગયેલી પત્નીનો ફોટો ઘરમાં રાખી ધુપદીવા કરે છે અને અચાનક ધુણવા માંડે છે. આ પછી ધુણતા ધુણતા મારુ ગળું દબાવે છે અને શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરે છે. આ  વાત જાણી મેં તેને સમજાવ્યો હતો. થોડા દિવસ પછી ફરીથા આવું થતાં મારી દિકરીએ મને જાણ કરી હતી.


જે બાદ દિકરી ઘરે આવી ત્યારે પતિ શું શું કરે છે તેની વાત કરી હતી. તેમજ ધુણ્યા બાદ સરખી રીતે બોલતો નથી તેમ કહ્યું હતું. હવે મારાથી સહન થતું નથી, કાં તો પતિ મને મારી નાંખશે કાં મને મરી જવા મજબૂર કરશે, હું આત્મહત્યા કરી લઈશ કેવી વાત કરી હતી. તેણે પાંચ દિવસ પહેલા મારી નાની દિકરીને ફોન કરી મેં દવા પી લીધી છે. મારા સંતાનોને સાચવજો તેમ કહી ફોન મુકી દીધો હતો. ફોન કરતાં તેણે રિસીવ કર્યો નહતો અને સાડા ચાર વાગ્યે તેનું મોત થયું છે તેવો સાસરિયામાંથી ફોન આવ્યો હતો.