રાજકોટઃ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન(Self Lockdown) જાહેર કર્યું છે. યુઝ્ડ કાર એસોસિએશન (Used car association)ના હોદેદારીએ આજથી આઠ દિવસ માટે જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. શહેરમાં સતત સંક્રમણ વધતું જાય છે ત્યારે વેપારીઓએ જાતે જ લોકડાઉન કર્યું છે.
રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું જૂની કારનું માર્કેટ (old car market) આવેલું છે. 100થી વધુ વેપારીઓ રાજકોટમાં જૂની કારના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે.
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે મંગળવારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને 3થી 4 દિવસના લોકડાઉનનો નિર્દેશ કર્યો હતો. ત્યારબાદથી જ રાજ્યમાં લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે મોડી રાત્રે તમામ અટકળોનો અંત આવ્યો હતો.
રાજ્યની રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણયમાં લોકડાઉન સામેલ નથી. એટલે કે હાલ તો રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર આઠ મહાનગર ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેંદ્રનગર અને ભરૂચમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.
લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે. શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે. અગાઉ રાત્રી કર્ફ્યુ રાજ્યના ચાર મહાનગરોમાં જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે 30 એપ્રિલ સુધી 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 8:00 થી 06:00 સુધી અમલમાં રહેશે.
રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ૩૦ એપ્રિલ સુધી શનિવાર અને રવિવાર તમામ સરકારી ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3280 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 17 હજારને પાર પહોંચી ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 17348 થઈ છે. 171 લોકો વેન્ટિલેટર પર અને 17177 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.24 ટકા છે.