Rajkot: રાજકોટમાં ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે, અહીં મનપા વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, લોકોનો આરોપ છે કે, મનપા પાયાની સુવિધા આપવામાં એકદમ નિષ્ફળ રહી છે, અને ચોમાસા પહેલા લોકોએ આવો ચક્કાજામ કરીને મનપાનો હૂરિયો બોલાવ્યો છે. 


માહિતી પ્રમાણે, રાજકોટમાં આજે સવારથી જ મનપા વિરુ્દ્ધ વિરોધ પ્રદર્શન શરૂ ગયુ છે, રાજકોટના વોર્ડ નંબર 18માં પ્રાથમિક સુવિધાઓ અભાવને લઈ ફરી એકવાર લોકો વિરોધ કરવા ઉતર્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે, છેલ્લા 3 વર્ષથી કોઠારીયા વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, અને હેરાન પરેશન થઇ રહ્યા છે. આ કારણે આજે સવારથી જ કોઠારીયાના સાંઈબાબા સર્કલ પાસે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઇ ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે તેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી અને દર ચોમાસે મનપા દ્વારા માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે, આ વખતે એકવર્ષમાં લગભગ આ પાંચમીવાર ચક્કાજામ કરવામાં આવ્યુ છે.


 


રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિની મુંબઈની હોટલમાં હત્યા, વેઈટરે તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા


મુંબઇઃ લૂંટના ઈરાદે રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિની મુંબઈની હોટલમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર ઉપલેટાના ઉદ્યોગપતિ કાળાભાઈ સુવાની પ્રિન્સ હોટલના વેઈટરે તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા કરી હતી. કાળાભાઇની હત્યાને પગલે રાજકોટ જિલ્લાના આહીર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. વેઇટરે બરફ કાપવાના સુયાથી કાળાભાઇની હત્યા કર્યાની ચર્ચા છે. તેમની હત્યા કર્યા બાદ વેઇટર ફરાર થઇ ગયો હતો. મુંબઈની પ્રિન્સ હોટલમાં શનિવારના રાત્રે 12:00 થી 2:00 વાગ્યા સુધીમાં હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. ઉદ્યોગપતિની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી કે પછી કોઇ અન્ય કારણે કરવામાં આવી તેને લઇને મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી હતી. મુંબઈ પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હોટલના વેઈટરે જ બરફ કાપવાના સુયાથી કાળાભાઈની હત્યા કરી હતી. વેઈટરે કાળાભાઈના ચહેરા તેમજ ગરદન પર 10 થી વધુ ઘા ઝીંક્યા હતા. આ બાદ વેઈટર તેમની પાસેની રોકડની બેગ, કિંમતી ઘડિયાળ અને સોનાની વીંટી લઈને ફરાર થઇ ગયો હતો. કાળાભાઈ સુવાના કુટુંબીજનો તેમના પાર્થિવ દેહને ઉપલેટા લાવ્યા હતા. કાળાભાઈ રામભાઈ ઉપલેટાના આહીર સમાજના અગ્રણી હોવાના કારણે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.