રાજકોટ : શહેરનાં માંડાડુંગરની યુવતી ગોંડલનાં યુવાન સાથે લીવ ઈન રીલેશનમાં રહેતી હતી. આ 21 વર્ષીય યુવતીએ  પ્રેમીને પામવા પાંચ વર્ષનાં પુત્રને બે વખત કાતીલ ગણાતા ઘઉંમાં નાખવાનાં ટીકડા પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. હત્યા પછી લાશ  દફનાવી થોડા દિવસ બાદ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આખરે તેનો ભાંડો ફૂટતા હવે આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.


યુવતીના પહેલા લગ્નમાં છૂટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ તેને ત્રંબાનાં યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે થોડા દિવસ ચાલ્યા બાદ તેને ગોંડલમાં રહેતા અને ડ્રાઈવીંગ કરતા યુવક સાથે લીવ-ઈન રીલેશનશીપ કરાર કરી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. તેનાથી તેને પાંચ વર્ષનો દીકરો થયો હતો. પતિ ડ્રાઈવીંગ માટે અવારનવાર બહાર ગામ જતો હોવાથી પાછળથી યુવતી પાડોશમાં રહેતા અને ગોંડલ યાર્ડમાં મજુરી કરતા યુવકના પરીચયમાં આવી હતી. તે અવાર નવાર તેને પોતાનાં ઘરનાં કામ સોપતી હતી. જેથી તેની અવર જવર તેનાં ઘરમાં રહેતી હતી. અંતે બન્ને વચ્ચે આડા સંબંધ બંધાતા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પ્રેમીએ તેનાં પાંચ વર્ષનાં પુત્ર સાથે સ્વિકારવાનો સાફ ઈન્કાર કરતા યુવતીએ પુત્રને મારી નાંખવાનો પ્લાન રચ્યે હતો. 


જેના ભાગરૂપે પ્રેમી યાર્ડમાંથી ઘઉંમાં નાખવાના ટીકડા લઈ આવ્યો હતો. જે તેને પ્રેમિકાને આપી દેતાં તેણે પતી પાસે પુત્રની તબીયત બરાબર નથી એટલે તેને રાજકોટ લઈ જવો પડશે તેવું બહાનું બતાવી પુત્રને લઈ ગઈ તારીખ ૧૮મી ફેબુ્રઆરીએ રાજકોટ માવતરને ત્યાં આવી હતી. તેનાં માતા-પિતા બીજા દિવસે મજુરીએ જતા પાછળથી તેણે સવારે ૧૧.૩૦ વાગ્યે પુત્રને દુધ સાથે ભેળવી ઘઉંમાં નાખવાની ટીકડી પીવડાવી દીધી હતી. સાંજે ૫.૩૦ વાગ્યે બીજી ટીકડી દુધ સાથે પીવડાવી દીધી હતી. 


આનાથી પુત્રની તબીયત લથડતા સીવીલ લઈ ગઈ હતી. જયાં તેનાં પુત્રને આઈસીયુમાં દાખલ કરાયો હતો. પરંતુ ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજયું હતું. ડોકટરોએ મોતનું કારણ જાણવા માંટે પોસ્ટમોર્ટમ કરાવાની સલાહ આપી હતી. જોકે, યુવતીએ ઇનકાર કરી દીધો હતો.  એટલું જ નહી ભવિષ્યમાં કોઈ ક્લેમ પણ નહી કરે તેવું ડોકટરોને લેખીતમાં આપી દેતા પોસ્ટમોર્ટમ કરાયું ન હતું. 


આ બનાવ વખતે તેનો પતિ ગાંધીનગર ભાડુ લઈને ગયો હતો. પુત્રના મોતની જાણ થતા તે રાજકોટ દોડી આવ્યો હતો. રાજકોટથી પુત્રને બન્ને ગોંડલ લઈ ગયા હતાં. બીજે દિવસે સ્મશાનમાં દફનવિધિ કરી દીધી હતી. જો કે, પતિને પત્નીએ જ હત્યા કરી હોવાની ગંધ આવી નહોતી. આ પછી પુત્રનાં મોતનાં ચાર-પાંચ દિવસ બાદ પત્ની ઘરેથી ભાગી જતાં અને પાડોશી યુવક પણ લાપત્તા બની જતાં તેને શંકા ગઈ હતી. 


આમ શંકા જતા તેણે ગોંડલ પોલીસમાં અરજી કરી હતી. જેનાં આધારે પોલીસે શોધ-ખોળ કરી હતી. ભાગી ગયા બાદ બંને જેતપુર હાઈવે પર આવેલા ડુંગળીનાં ગોડાઉનમાં રહેવા લાગ્યા હતાં. થોડા દિવસ બાદ બન્નેને પોલીસે ઝડપી લેઈ પુછપરછ કરતા આ સમગ્ર ભાંડો ફુટયો હતો. યુવતીએ પુત્રની હત્યા રાજકોટમાં કરી હોવાથી ગોંડલ પોલીસે તપાસ કરી તમામ કાગળો આજીડેમ પોલીસને સોંપી દીધા હતાં. જે હવે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરશે.