રાજકોટમાં રફતારના કહેર જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં બેફામ BMW હંકારી નબીરાએ એક યુવકને કચડ્યો હતો. કાલાવડ રોડ નજીક ક્રિસ્ટલ મોલ પાસે ઘટના બની હતી. નબીરાએ બાઈકને ટક્કર મારતા 20 વર્ષીય યુવકનું મોત થયું છે. મૃતક યુવકનું નામ અભિષેક નાથાણી હોવાનો ખુલાસો થયો છે. કાર ચાલક તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. કાર ચાલક નબીરાનું નામ આત્મન પટેલ હોવાનો ખુલાસો થયો હતો.
રાજકોટમાં રાત્રીના બેફામ બીએમડબ્લ્યૂ હંકારી નબીરાએ એક યુવાનનો જીવ લઈ લીધો હતો. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક 20 વર્ષીય યુવક અભિષેક નાથાણી બાઈક પર જઈ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવતા BMW ચાલક નબીરાએ જોરદાર ટક્કર મારતા અભિષેક નાથાણીનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક નબીરો સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બેફામ બનેલા નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવા માંગ ઉઠી છે. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં એક તરુણ, એક તરુણી અને બે યુવકના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પૂરપાટ ઝડપે હોન્ડા સિટી કારની અડફેટે માતા-પુત્રીનો અકસ્માત થયો હતો, જેમાં ગઈકાલે સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું. આ પછી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કારચાલક સામે તપાસ શરૂ કરી હતી.
ગાંધીનગરના ડભોડા પાસે અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું હતું. ઇનોવા કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા હતા. રવિવારે રાત્રે ડભોડા ત્રણ રસ્તા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. બેફામ આવતી ઇનોવા કારે રીક્ષાને ટક્કર મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માત બાદ કારમાં બેસેલા લોકો ભાગી છૂટ્યા હતા. કારમાંથી દારૂની બોટલ મળ્યાનો વીડિયો વાયરલ થયો હતો. રીક્ષામાં સવાર તમામ લોકો મગોડી ગામના રહેવાસી હતા. અકસ્માતમાં પૂનમબેન ઠાકોરનું મોત નીપજ્યું હતું. શૈલેષ ઠાકોર, પંકજ ઠાકોર, લીલાબેને ઠાકોર, અર્જુન ઠાકોર, મહેન્દ્રભાઈ વાઘેલા, અને મુન્નીબેન ઠાકોર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. ચિલોડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.