રાજકોટ: રાજકોટ શહેરમાં રહેતા અને પોતાની કલકી અવતાર ગણાવતા રમેશ ફેફરે આત્મહત્યા કરી લીધી છે. રમેશ ફેફરે કાલાવડ રોડ પર આવેલા અર્ક બંસરી સોસાયટીમાં આવેલા પોતાના રહેણાંત મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.  વર્ષોથી એકલવાયુ જીવન જીવતા ફેફરે રાત્રિના સમયે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

Continues below advertisement

પ્રાથમિક તારણ મુજબ એકલવાયું જીવન જીવવાથી કંટાળીને રમેશ ફેફરે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. રમેશ ફેફરનો પરિવાર હાલ વિદેશમાં હોય તેમને જાણ કરવામાં આવી છે.  રમેશ ફેફરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

રમેશચંદ્ર ફેફર ભૂતકાળમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ  વિવાદાસ્પદ નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. પોતાને ભગવાન કલકીનો અવતાર ગણાવતા હતા. 

Continues below advertisement

પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી ચર્ચામાં આવ્યા હતા

રમેશચંદ્ર ફેફરે જળસંપત્તિ વિભાગ અને નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેઓએ લખ્યું હતું કે મારો 16 લાખ રૂપિયા જેટલો લેવાનો બાકી રહેલો એક વર્ષનો પગાર અને મારા ગ્રેજ્યુટી રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા મને સત્વરે ચૂકવવામાં આવે.

રમેશચંદ્રએ લખેલા પત્ર મુજબ, જય ભારત સાથ જણાવવાનું કે સરકાર સરોવર નર્મદા નિગમ પુનવર્સવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કામ કરેલું જ છે અને આ રીતે કોરોનાકાળમાં કામ કરેલ વ્યક્તિઓને સરકારમાં પગાર ચૂકવેલ જ છે.'

'હું કલ્કી અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા વીસ વર્ષ થયા સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલ નથી. છેલ્લા વીસ વરસના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડોનો ફાયદો થયેલ છે. તેમ છતા મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણીનો વરસાદ અને બરફ વર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોક પર ચાલે.'