રાજકોટઃ રાજકોટના જામનગર રોડ પરની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સગીરાનું બે સંતાનના પિતાએ અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, આરોપીએ સગીરાને હોટેલમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. આ ઘટના ચાર મહિના પહેલાંની છે.
સગીરાનાં દાદીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે બીજી તરફ ચાર દિવસ પહેલાં આરોપીએ ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરતાં તેને ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઉપલેટા પાસેનાં ગામમાં રહેતા વૃધ્ધાએ ફરિયાદ કરી છે કે, તેમની સગીર પૌત્રી રાજકોટના જામનગર રોડ પરની સૈનિક સોસાયટી પાસેની હોસ્ટેલમાં રહે છે અને અભ્યાસ કરે છે. 27 જાન્યુઆરીના પરિવારજનો ગામડના ઘરે હતા ત્યારે રાજકોટ હોસ્ટેલમાંથી ફોન આવ્યો હતો કે, તમારી પૌત્રી જતી રહી છે. તેના પગલે સગીરાના પિતા સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. એ પછી સગીરા પાછી આવી ગઈ હતી.
જો કે અઠવાડિયા બાદ સગીરાએ કહ્યું હતું કે, 27 જાન્યુઆરીના મોટી ટીંબડી ગામના હુસૈન ભીખા ઠેબાએ ફોન કરી સગીરાને હોસ્ટેલની બહાર નિકળવા કહ્યું હતું. સગીરા બહાર નિકળતા જ હુસૈને તેને રિક્ષામાં બેસાડી દીધી હતી અને મોરબી રોડ પર આવેલી હોટેલમાં લઇ જઈ સગીરા સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી હુસૈન અને તેની માતા 15 મેના દિવસે સગીરાના ઘરે આવ્યાં હતાં. તેમણે સગીરાને ઉઠાવી જવાની ધમકી આપતાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. હુસૈને ઝેરી દવા પી લેતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપલેટા પોલીસે તપાસ રાજકોટ ટ્રાન્સફ કરતાં કુવાડવા પોલીસે તપાસ આરંભી છે.