સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં સતત બીજા દિવસે રાઈડ્સ બંધ રહી હતી.  લોકમેળાનો આમ તો ગુરૂવારના વિધિવત પ્રારંભ થયો હતો. જોકે બીજા દિવસે 34 પૈકી માત્ર 11 રાઈડ્સ શરૂ થઈ હતી. રાઈડ્સ સંચાલકોએ માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યકત કરી હતી.

Continues below advertisement


રાઈડ્સ સંચાલકોનો આરોપ છે કે પ્રશાસનના અધિકારીઓ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેવા તૈયાર ન થતા મેળો ચકડોળે ચડ્યો હતો. રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે. આ લોકમેળામાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટે છે. પરંતુ સાતમના દિવસે પણ રાઈડ્સ બંધ હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યા હતા. મેળાના મુલાકાતીઓએ રોષભેર કહ્યું હતું કે મેળાની મજા તો રાઈડ્સ વિના અધૂરી છે.


ગોંડલમાં પણ લોકમેળામાં સતત બીજા દિવસે રાઈડ્સ બંધ રહી હતી. રાઈડ્સ સંચાલકોનો આરોપ છે કે માર્ગ અને મકાન વિભાગે મંજૂરી ન આપતા રાઈડ્સ શરૂ થઈ શકી નથી. અધિકારીઓની મંજૂરીના વાંકે મેળામાં આવતા મુલાકાતીઓને રાઈડ્સની મજા માણ્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે. પ્રશાસનની આકરી SOPના પાપે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના લોકમેળાઓ ફિક્કા પડ્યાનો રાઈડ્સ સંચાલકોનો આરોપ છે.


રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા


રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાઈ રહ્યો છે. ત્યારે એ જ સમયે મેઘરાજા પણ મેળામાં આવે તેવી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદ લોકમેળાની મજામાં વિઘ્ન નાખી શકે છે, પરંતુ મેળાનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે.


હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ માટે રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ખાસ કરીને 15 થી 21 ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે માછીમારો માટે કોઈ વિશેષ એલર્ટ જાહેર કર્યું નથી. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમની રહેશે. તારીખ 14-15 ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ વરસાદ ગુજરાતભરમાં સાર્વત્રિક રીતે થશે. અત્યાર સુધી અરબસાગર નિષ્ક્રિય હતો અને વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હતી, હવે અરબસાગર પણ સક્રિય થયો છે.