રાજકોટઃ યુક્રેનમાં યુદ્ધની અસર હવે ભારતીય બજારોમાં જોવા મળી રહી છે. યુક્રેનમાં યુદ્ધની અસરને પગલે સૂર્યમુખી તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. રાજકોટની બજારમાં સૂર્યમુખી તેલમાં એક દિવસમાં રૂપિયા 50 નો ભાવ વધારો ઝીંકાયો છે. સૂર્યમુખી તેલના ભાવ 2150/2180 પહોંચ્યા. સૂર્યમુખી તેલમાં હાલની કટોકટીથી ભાવ ઉછળ્યા.
બીજી તરફ, કપાસિયા તેલમાં રૂપિયા 30 ઘટ્યા. યુક્રેનની સ્થિતિ જોતા ભારતને ધઉંની નિકાસની તક વધી શકે છે.
યુક્રેન અને રશિયા વચ્ચેના મહાયુદ્ધની અસર શેર બજાર પર પડી હતી. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે સેન્સેક્સ 2700 પોઇન્ટના કડાકા સાથે 55,234 પર બંધ રહ્યો હતો જ્યારે 605 પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી 16,457 પર બંધ થયો હતો.
આજે સેન્સેક્સ 2788 પોઇન્ટના ઘટાડા સાથે 54,445 તો નિફ્ટી 842 પોઇન્ટના ઘટાડા સાથે 16,218 પોઇન્ટ પર બંધ થયો હતો. 23 માર્ચ 2020 બાદ શેર બજારમાં પોઇન્ટ્સ મામલામાં આ સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી લગભગ પાંચ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.
શેરબજારમાં આવેલા ઘટાડાથી કોઇ પણ સેક્ટર બચી શક્યું નથી. બેન્કિંગ સેક્ટરથી લઇને મિડ કેપ અને સ્મોલ કેપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના તમામ 50 શેરમાં ઘટાડો નોંધાયો છે. આજે નોંધાયેલા ઘટાડાથી રોકાણકારોના નવ લાખ કરોડથી વધુની સંપત્તિનું ધોવાણ થયું છે. બજારમાં સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ 10 ટકા ઘટીને 428 રૂપિયા પર બંધ થયો હતો.