Rajkot News: રાજકોટ શહેર માટે મહત્વપૂર્ણ ગણાતા સાંઢીયા પુલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે સવારે 10 વાગ્યે પુલને લોકો માટે ખુલ્લો મૂકાયો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યાં હતા. લોકાર્પણ બાદ સાંજે બ્રિજ નજીક હેપ્પી સ્ટ્રીટ સહિત અનેક સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંઢીયા પુલના નિર્માણથી શહેરના વાહનવ્યવહારને મોટી રાહત મળશે. અત્યાર સુધી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા વાહનચાલકોને હવે સરળ અને ઝડપી અવરજવરનો લાભ મળશે. અંદાજે દરરોજ 50 હજારથી 70 હજાર જેટલા વાહનો આ પુલ પરથી પસાર થશે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું દબાણ પણ ઘટશે.
મહત્વનું છે કે, સાંઢીયા પુલનું નિર્માણ કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પુલ રાજકોટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે અને શહેરના વિકાસને નવી ગતિ આપશે.
આ પણ વાંચો: Weather: રાજયમાં કઇ તારીખે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું આપ્યું એલર્ટ
હાલ તો તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ બ્રિજમાં અગાઉ જે નાની-મોટી ખામીઓ હતી તેને છેલ્લા આઠ દિવસની રાત-દિવસની કામગીરી બાદ દૂર કરવામાં આવી છે. આ બ્રિજ શરૂ થવાથી રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ઘંટેશ્વર, માધાપર અને પરાપીપળીયા સહિતના વિસ્તારોના 50 હજારથી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. જામનગર રોડ પરથી પસાર થતી વખતે વર્ષોથી વાહનચાલકો જે રેલવે ક્રોસિંગ અને ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત હતા, તેમાંથી મુક્તિ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા 74 કરોડ રૂપિયાના માતબર ખર્ચે નવો સાંઢિયા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂરી થાય તે માટે તંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી કામ કરી રહ્યું હતું.
રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર સંયુક્ત રીતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક તેમજ શાસક પક્ષના નેતા સહિત આખું રાજકીય અને વહીવટી તંત્ર બ્રિજ પર નિરીક્ષણ માટે હાજર રહ્યું હતું. નેતાઓએ એન્જિનિયરો સાથે રહીને પુલના સ્લેબ, કનેક્ટિવિટી રોડ, સ્ટ્રીટ લાઈટ્સ અને કલરકામની ઝીણવટભરી તપાસ કરી હતી. રાજકોટવાસીઓને આ ઝગમગતી સાંજે પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પુલ શરૂ થવાથી માધાપર ચોકડી, જામનગર હાઈવે અને ગોંડલ રોડ તરફ કનેક્ટ થતા વાહનોને નોન-સ્ટોપ કનેક્ટિવિટી મળશે, જેનાથી ઈંધણ અને સમય બંનેની મોટી બચત થશે.
