Sant Karsandas Bapu heart attack: પરબધામ આશ્રમના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાપુને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમાચાર મળતા જ દેશભરમાં ફેલાયેલા તેમના લાખો ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સંત કરસનદાસ બાપુની તબિયત લથડતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક એક્શન લઈને તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની તબિયત સુધારવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બાપુની નાજુક તબિયતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરબધામ સાથે જોડાયેલા અને કરસનદાસ બાપુમાં આસ્થા ધરાવતા ભક્તોમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. જોકે, હાલમાં બાપુની સારવાર ચાલી રહી હોવાથી અને હોસ્પિટલમાં ભીડ ન થાય તે હેતુથી તેમના ભક્તોને હોસ્પિટલ ખાતે કોઈ ન આવે તેવી અપીલ કરવામાં આવી છે. ડોક્ટરો દ્વારા બાપુને સંપૂર્ણપણે સ્વસ્થ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે અને ભક્તો તેમના સ્વાસ્થ્ય સુધારણા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પરબધામનો ઈતિહાસ
સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર અનેક તીર્થસ્થાનો આવેલા છે, જેમાંનું એક અતિ મહત્વપૂર્ણ અને પ્રાચીન ધામ એટલે સંત દેવીદાસ બાપુનું પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ. આ તીર્થધામ ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત દેવીદાસને સમર્પિત છે.
૩૫૦ વર્ષ પુરાણો ઇતિહાસ:
પરબધામની સ્થાપના આશરે ૩૫૦ વર્ષ પૂર્વે સંત દેવીદાસે કરી હોવાનું મનાય છે. આ ઐતિહાસિક સ્થળનો ઉંડો આધ્યાત્મિક અને સામાજિક મહત્વ રહ્યો છે, જ્યાં સંતો અને ભક્તોએ માનવતાની સેવા અને આધ્યાત્મિક માર્ગદર્શનનું કાર્ય કર્યું છે.
પરબધામમાં દર્શનીય સ્થળો અને સમાધિઓ:
પરબધામ આશ્રમમાં અનેક પવિત્ર સ્થળો અને સંતોની સમાધિઓ આવેલી છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.
પ્રાચીન સમાધી મંદિર: અહીં પ્રાચીન સમાધી મંદિર આવેલું છે, જેના ઉપર નવું ભવ્ય મંદિર ચણવામાં આવ્યું છે.
દાદા મેકરણનો – સાદુળ પીરનો ઢોલીયો: પરબધામમાં દાદા મેકરણ અને સાદુળ પીરનો ઢોલીયો પણ આવેલો છે, જે તેમની સ્મૃતિ અને ઉપદેશો સાથે જોડાયેલો છે.
પરબકુંડ: અહીં પવિત્ર પરબકુંડ આવેલો છે, જ્યાં સ્નાન કરવાનું અને પાણી પીવાનું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.
કરમણપીર અને દાનેવપીરની સમાધી: સંત કરમણપીર અને દાનેવપીરની સમાધિઓ પણ અહીં આવેલી છે.
સંત કવિ દાસી જીવણ સાહેબની સ્મૃતિનો કુવો: ભજન અને ભક્તિ માટે જાણીતા સંત કવિ દાસી જીવણ સાહેબની સ્મૃતિ રૂપે અહીં એક કુવો પણ આવેલો છે.
૯ પવિત્ર સમાધિઓ:
ઉપર ઉલ્લેખિત સ્થળો ઉપરાંત, પરબધામમાં અન્ય ૯ પવિત્ર સમાધિઓ આવેલી છે, જે વિવિધ સંતો અને ભક્તિમય આત્માઓને સમર્પિત છે. આ ૯ સમાધિઓમાં નીચેના સંતો અને મહંતોનો સમાવેશ થાય છે:
૧. દેવીદાસ બાપુ
૨. અમર માતા
૩. જશાપીર
૪. વરદાનપીર
૫. સાદુલપીર
૬. કરમણપીર
૭. અમરીમા
૮. દાનેવપીર
૯. સાંઈ સેલાણીબાપુ