હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાક તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 30થી 40 કિમીના ઝડપે પવન સાથે વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. ગુજરાત મેરિટાઈ બોર્ડે હવામાન વિભાગ તરફથી મળેલી સૂચના બાદ માછીમારોને સાવચેત કરવા ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સ્થાનિક પ્રશાસને સૂચના આપી છે.
વેરાવળ બાદ અમરેલીના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાક માટે તોફાની પવન સાથે વરસાદની આગાહી કરી છે અને ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની આગાહીના પગલે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં કરંટ અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાને ધ્યાને રાખી મેરિટાઈમ બોર્ડે માછીમારોની સલામતી માટે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી સાવચેત કર્યા છે.
રવિવારે ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના મેંદરડામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.