Groundnut Crop: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવકો શરૂ થઈ ગઈ છે. ચોમાસું લગભગ હવે પૂરું થઈ ગયું છે અને વરસાદે વિરામ લેતા સતત મગફળીની આવકો વધી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પહેલા મગફળીની રોજની 10થી 12 હજાર ગુણી આવતી હતી. તેની સામે આજે 25 હજાર કરતાં પણ વધુ મગફળીની ગુણીની આવકો થઈ છે.
મગફળીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મગફળીના ભાવમાં એક જ દિવસમાં મણે 50 થી 75 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ નવી મગફળીના ભાવ 1250 થી 1400 બોલાતા હતા. જે આજે યાર્ડમાં સરેરાશ મગફળીના ભાવ 1200 થી 1350 બોલાઈ રહ્યા છે.
જોકે હાલમાં મગફળીની આવક વધવાની સાથે સાથે થોડી ભેજવાળી પણ મગફળી આવી રહી છે. સૂકી મગફળીના ભાવ 1400 થી 1500 રૂપિયા છે.
ખેડૂતોએ કહ્યું બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના ભાવ દર વર્ષે વધી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ પણ તેને અનુરૂપ વધવા જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે, પાછોતરા વરસાદના કારણે મગફળીના પાકને ફાયદો થયો છે. કાલે સૌથી વધુ હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારની મગફળી રાજકોટ યાર્ડમાં આવી રહી છે.
ગયા સપ્તાહે દેશના તેલ અને તેલીબિયાં બજારોમાં કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આગામી 10-15 દિવસમાં નવો પાક આવવાની સંભાવના વચ્ચે એક તરફ સીંગતેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, તો બીજી તરફ વિદેશમાં તેલના ભાવમાં નજીવા વધારાને કારણે અને તહેવારોની માંગ, અન્ય તમામ તેલ અને તેલીબિયાંના ભાવમાં સુધારો નોંધાયો.
સૂત્રોએ જણાવ્યું કે ગયા અઠવાડિયે માત્ર સીંગતેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે આગામી 10-15 દિવસમાં દેશના બજારોમાં ઓછી માત્રામાં મગફળીની આવક શરૂ થશે. પરંતુ ગયા અઠવાડિયે વિદેશમાં સૂર્યમુખી તેલની કિંમત $885 થી વધીને $900-910 થઈ હતી અને દેશમાં તહેવારોની માંગને કારણે અન્ય તમામ તેલ અને તેલીબિયાંના ભાવ સુધર્યા હતા. વિદેશમાં પામોલીન તેલના ભાવમાં પણ 5-10 ડોલર વચ્ચેનો સુધારો થયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા સપ્તાહમાં બજારોમાં સરસવની આવક ઘટી છે અને આ ઉપરાંત તહેવારોની માંગ પણ ધીમે ધીમે વધી રહી છે જેના કારણે સરસવના તેલ અને તેલીબિયાંના ભાવમાં થોડો વધારો થયો છે. જો કે, બજારમાં સરસવ તેના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતા નીચા ભાવે વેચાઈ રહી છે. સામાન્ય કારોબાર વચ્ચે સોયાબીન તેલ અને તેલીબિયાંના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. સોયાબીનના નવા પાકના આગમન બાદ ભવિષ્યની સ્થિતિનો થોડો ખ્યાલ આવી શકશે. વિદેશમાં ભાવ સુધરવાને કારણે ક્રૂડ પામ ઓઈલ (CPO) અને પામોલિન ઓઈલના ભાવમાં પણ ગયા સપ્તાહે સુધારો જોવાયો હતો.